બેડેશ્વરમાં આવેલી શાળામાં પુરતા વર્ગખંડ હોવા છતાં બે વર્ગના વિધાર્થીઓ એક સાથે બેસવા મજબૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 15:40:53
  • Views : 92
  • Modified Date : 2023-06-29 15:40:53

જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડેશ્વરમાં આવેલી શાળામાં વર્ગખંડ પુરતા હોવા છતાં શાળા તેનો ઉપયોગ કરી શકતી નથી. કોરોના કાળમાં આરોગ્યની સેવા માટે આપવામાં આવેલ બિલ્ડીંગ શાળાને પરત આપવામાં આવતું નથી. જેથી બે વર્ગના વિધાર્થીઓને એક સાથે બેસાડવામાં આવે છે.જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં મહાનગર પાલિકાની શાળા આવેલી છે. જે શાળા માટે વર્ગખંડ પુરતા છે, પરંતુ આ બિલ્ડીંગનો હેતુ શૈક્ષિણક સાથે આરોગ્ય માટે કરવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન શાળાઓ બંધ હતી, ત્યારે શાળાની બિલ્ડીંગનો એક ભાગ આરોગ્ય સેન્ટર માટે આપવામાં આવ્યો હતો, જે બાદ બિલ્ડીંગ શાળાને પરત આપવામાં આવ્યું નથી. આ માટે અનેક વખત લેખિત અને મૌખિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ બિલ્ડીંગ પરત શાળાને મળતું નથી.શાળા માટે કુલ 33 ઓરડાની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. પરંતુ આરોગ્ય વિભાગ પાસે પુરતી વ્યવસ્થા ના હોવાથી શાળાના બિલ્ડીંગના 9 ઓરડા આરોગ્યને કોરોના સમયે આપવામાં આવ્યા હતા. જે શાળાને પરત ના મળતા શિક્ષણ કાર્યમાં અસર થાય છે. આ વર્ગખંડો માટે જાન્યુઆરી 2021થી અનેક વખત માંગણી કરવામાં આવી છે. શાળામાં ધોરણ 1થી 8માં કુલ અંદાજે 1200 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ગખંડ ઓછા થતા બે વર્ગોને એક સાથે બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.આરોગ્ય કેન્દ્રની સેવા ત્યાં કાર્યરત હોવાથી અન્ય જગ્યાએ નવું આરોગ્ય કેન્દ્ર બનશે ત્યારે તે જગ્યા શાળાને પરત આપવાની ખાતરી આરોગ્યના અધિકારીએ આપી છે, પરંતુ આ બિલ્ડીંગ બનતા ઓછામાં ઓછો 3 વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. શાળાની બિલ્ડીંગમાં આરોગ્ય કેન્દ્ર ચાલતું હોવાથી શિક્ષણની પ્રવૃતિને અસર થાય છે. શાળાને બિલ્ડીંગ પરત મળે તો શિક્ષણની પ્રવૃતિ યોગ્ય રીતે થઈ શકે.

Download Our B K News Today App



Related News