લાખણીમાં કોંગ્રેસની જાહેર સભામાં ઠાકોર સમાજના અગ્રણીઓએ અલ્પેશ ઉપર આક્ષેપોનો વરસાદ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:17:07
  • Views : 647
  • Modified Date : 2019-04-16 06:17:07

જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે એમ એમ જિલ્લામાં ચૂંટણી જામતી દેખાઈ રહી છે. ત્યારે તાલુકા મથક લાખણી ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉમેદવારનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.  ત્યારબાદ કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી. જેમાં દિયોદર તા.પં ના ઉપપ્રમુખ અને ઠાકોર સમાજના અગ્રણી બળવંતજી ઠાકોરે પોતાની આગવી શૈલીમાં સભાને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમાજને ખુબ આપ્યું છે અને આવનાર સમયમાં પણ કોંગ્રેસ પક્ષ તમામ સમાજો માટે સારા સમાચાર લાવશે અલ્પેશ પહેલાં સમાજના નામે ઓળખાણ ઉભી કરી અને પછી કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોંગ્રેસે અલ્પેશને વ્યક્તિગત નહિ સમાજને માન આપીને ખૂબ હોદા આપ્યા પણ તેમણે વ્યક્તિગત સ્વાર્થ માટે કોંગ્રેસ  છોડી છે. સમાજ સાથે દ્રોહ કર્યો છે માટે આ વખતે સમાજ આવા લોકોને જવાબ આપવા તૈયાર છે કોઈ બીજી વાતોમાં આવ્યા વગર કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી હતી. વળી પ્રદેશ કોંગ્રેસના  અને ચૌધરી સમાજના યુવા અગ્રણી માંગીલાલ પટેલે પોતાની આગવી શૈલીમાં ભાજપને આડે હાથ લઈને ધર્મ અને રાષ્ટ્રના નામે વર્ષોથી વોટ માંગતા આવે છે પણ સત્તામાં આવ્યા પછી કંઈ જ કરતા નથી માત્ર પ્રજાને ગુમરાહ કરે છે. આ લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલ છેલ્લાં ૧૫ વર્ષથી થરાદ વિધાનસભાના ધારાસભ્ય છે પણ આજદિવસ સુધી આ વિસ્તારનો એક પણ પ્રશ્ન વિધાનસભામાં રજૂ કર્યો નથી એ હું દાવા સાથે કહું છું માટે આ વખતે આ જૂઠ બોલનારી ભાજપને જાકારો આપવા કોંગ્રેસને વોટ આપવા વિનંતી કરી હતી. લાખણી તા.પં.ના પ્રમુખ અને બ્રાહ્મણ સમાજ અને ઇતરકોમના આગેવાન મહેશભાઈ દવેએ તેજાબી શૈલીમાં જણાવ્યું હતું કે ભાજપ લોકશાહીમાં નહિ પણ સેટિંગમાં માને છે. વિચારધારાથી ભાજપ ભટકી ગઈ છે સત્તાના નશામાં ચકચૂર બનનાર આ ભાજપને આપણે સૌએ ઉખાડી ફેંકવાની છે માત્ર ધર્મ-રાષ્ટ્ર અને કોમવાદના નામે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી રહી છે. માટે આ ભાજપના નેતાઓને પાછા આપણે જમીન ઉપર લાવવાના છે અને કોંગ્રેસને ભારે વોટથી વિજય બનાવવા જનતાને અપીલ કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાન પ્રવિણસિંહ વાઘેલા અને જબરસિંહ વાઘેલાએ પણ ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી.  કોંગ્રેસના ઉમેદવારની વિજય બનાવવા અપીલ કરી હતી.  આ સિવાય ભારતીબેન ચૌધરી, ભરતભાઇ ઠાકોર, નરસિંહભાઈ દેસાઈ, ધુડાભાઈ પટેલ, માલજીભાઈ દેસાઈ, સુરેશભાઈ દેસાઈ  સહિતના આગેવાનોએ કોંગ્રેસ ને વિજય બનાવવાની અપીલ કરી હતી. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજા હાજર રહી હતી.

Download Our B K News Today App



Related News