શ્રેય અગ્નિકાંડમાં પીડિતોને સાંભળ્યા વગર જ પંચે રિપોર્ટ રજૂ કર્યાનો આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:21:46
  • Views : 207
  • Modified Date : 2021-03-13 11:21:46

    શ્રેય હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા વ્યકિતના પરિવારજનોએ તપાસપંચની તપાસ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. પીડિતના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરીને એવી રજૂઆત કરી છે કે તપાસપંચે તેમને સાંભળ્યા વગર રિપોર્ટ તૈયાર કરી દીધો છે. પંચે પીડિતોને ઘટના સ્થળની મુલાકાત લેવા દીધી નથી અને પંચ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો પણ આપવામાં આવ્યા નથી. પૂરતી અને નિષ્પક્ષ તપાસ કર્યા વગર જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે.

    અગ્નિકાંડ બાબતે જ્યારે પંચે પીડિતોની મુલાકાત ન લીધી ત્યારે પણ પીડિતોએ સામેથી તેમને મળવા માટે મંજૂરી માંગી હતી, પરતું તેમને મળવાનો પણ પંચના સભ્યોએ ઇન્કાર કર્યો છે. આ અંગે સરકારે જવાબ રજૂ કરવા સમય માગતા વધુ સુનાવણી 16મી માર્ચે હાથ ધરાશે.

    રહેણાંક માટે પાસ થયેલા બિલ્ડિંગમાં ઇમ્પેકટ ફી ભરીને શ્રેય હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. આ અંગે નીચલી કોર્ટમાં ચાર્જશીટ પણ કરવામાં આવી છે. પરંતુ આ ચાર્જશીટની નકલ પણ પીડિતોને આપવામાં આવી નથી. પંચ સમક્ષ રજૂ કરાયેલા એફિડેવિટ અને અન્ય જરૂરી દસ્તાવેજો પણ પીડિતોને આપવામાં આવતા નથી.

    શ્રેય હોસ્પિટલમાં આગમાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા વ્યકિતના પરિવારજનોએ તપાસ પંચ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેમણે સ્વજનોને ગુમાવ્યા છે, જો તેમને જરૂરી દસ્તાવેજો અને પંચ સમક્ષ રજૂ કરેલા સોંગદનામા આપવામાં આવશે તો જ આ કેસની સાચી હકીકત બહાર આવી શકશે.શ્રેય હોસ્પિટલમાં આગ લાગી તે આઇસીયુ વિભાગની મુલાકાત લેવા પીડિતોએ પંચ સમક્ષ માગણી કરી હતી પરતું તે સ્વીકારવામાં આવી નથી. કોર્ટ સમક્ષ પંચ દ્વારા રિપોર્ટ રજૂ કરવા પર રોક લગાવવા પણ પીડિતોએ માગ કરી છે. ઘટનાના સાક્ષીઓની ઊલટ તપાસ પણ કરવામાં આવી નથી.

    પીડિતોના પરિવારજનોએ હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, ગોધરાકાંડ તપાસ પંચે જેવી રીતે સ્થળની મુલાકાતો લીધી હતી તેવી રીતે શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની જગ્યાએ તેમને જવાની મંજૂરી આપવી જોઇએ. અરજદારોને દસ્તાવેજો, સોગંદનામા આપવા કરેલી માગણી નકારી દેવામાં આવી. આગના સ્થળે જવાની મંજૂરી આપવા ઇન્કાર કર્યો, પીડિતોને સાંભળવાનો પણ ઇન્કાર કર્યો છે, તે અયોગ્ય છે.


Download Our B K News Today App



Related News