વડોદરાના સોની પરિવાર સાથે ઠગાઈ કરનાર તમામ જ્યોતિષીઓ રાજસ્થાનના હોવાનો ઘટસ્ફોટ, 8 જ્યોતિષીને શોધવા પોલીસના રાજસ્થાનમાં દરોડા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 12:31:58
  • Views : 236
  • Modified Date : 2021-03-09 12:31:58

    વડોદરા શહેરની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં સોની પરિવાર સાથે 32 લાખની છેતરપિંડી કરનારા તમામ જયોતિષીઓનું મૂળ વતન રાજસ્થાન હોવાનું પોલીસને જાણવા મળતાં પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી અને 8 જ્યોતિષીને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસ રાજસ્થાન પહોંચી હોવાની જાણ થતાં જ ફરાર જયોતિષીઓના હોશકોશ ઊડી ગયા હતા. પોલીસે આશા વ્યકત કરી હતી કે એક-બે દિવસમાં પોલીસને મોટી સફળતા મળી જશે.

    ગત 3 માર્ચે બપોરે વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં નરેન્દ્ર સોની, પૌત્ર પાર્થ અને પુત્રી રિયાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, ત્યાર બાદ પુત્ર ભાવિન સોની અને તેમનાં માતા દીપ્તિબેનનાં પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યું આંક 5 પર પહોંચ્યો હતો. જોકે ભાવિનની પત્ની ઉર્વીની હાલ સારવાર ચાલી રહેલી છે, તે વેન્ટિલેટર પર છે. બીજી તરફ, આ મામલે ભાવિન સોનીએ પોલીસમાં પોતાના પિતાને 45 લાખનું દેવું થયા બાદ અમદાવાદ અને વડોદરાના 9 જયોતિષીએ વિવિધ લાલચ આપીને 32 લાખ ઉપરાંતની ઠગાઇ કરી હોવાનું જણાવી પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.

    સમા પોલીસે વડોદરા અને અમદાવાદના હેમંત જોષી(રહે-ગોત્રી કેનાલ,વડોદરા), સ્વરાજ જ્યોતિષી, પ્રહલાદ, દિનેશ, સમીર જોષી, સાહિલ વ્હોરા, વિજય જોષી, અલ્કેશ સહિતના જયોતિષીઓની સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ તેમનો કોઈ જ પત્તો મળી શકયો ન હતો. પોલીસે તેમના મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતાં તમામ જયોતિષીઓ રાજસ્થાનના હોવાનું બહાર આવતાં પોલીસની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી અને આ ટીમ હાલ તપાસ કરી રહી છે. તમામ જ્યોતિષીનું વતન રાજસ્થાન હોવાથી આ કેસ બહાર આવતાં જ તમામ ભાગી જઇને રાજસ્થાનમાં છુપાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ રાજસ્થાનમાં સતત તપાસ કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

    નરેન્દ્રભાઇ સોનીએ સ્વાતિ સોસાયટીમાં આવેલું મકાન રૂ.40 લાખમાં વેચવા કાઢ્યું હતું. મકાન વેચાતું ન હોવાથી નરેન્દ્ર સોનીએ ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષીનો સંપર્ક કરતાં તેને ઘરમાં વાસ્તુદોષ અને ઘરમાં ગુપ્ત ધન દાટેલું હોવાથી વિધિ કરાવવા કહ્યું હતું. ત્યાર બાદથી જ નરેન્દ્ર સોનીએ 9 જ્યોતિષીનો સંપર્ક કરી તેમને રૂ.32.85 લાખ આપ્યા હતા અને ઘરમાંથી કોઈ ગુપ્ત ધન નીકળ્યું ન હતું. જ્યારે જ્યોતિષીઓને આપવા માટે પણ સોની પરિવારે લોન લીધી હતી. દરમિયાન મકાનનો રૂા.25 લાખમાં સોદો થયો હતો, જેમાં આવેલા રૂ.7 લાખથી વધુની રકમ નરેન્દ્ર સોનીએ જ્યોતિષીને આપી દીધા હતા.

    નરેન્દ્રભાઇએ તેમનું મકાન અશોક મિસ્ત્રી અને સંજય મિસ્ત્રીને વેચી તેમની પાસેથી રૂ.23.50 લાખ લીધા હતા, પરંતુ મકાનની લોન લીધી હોવાથી વેચાણ દસ્તાવેજ થયો ન હતો. તેમને પૈસા પરત આપવા માટે કોઈ સગવડ ન હતી. બીજી તરફ, જ્યોતિષીઓએ વાસ્તુદોષ નિવારણ કરવાના બહાને રૂા.32.85 લાખ પડાવી લઈને છેતરપિંડી કરી હતી, જેથી કુટુંબનું જીવન ગુજરાન ચલાવવા માટે કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી પરિવાર આઘાતમાં આવી ગયો હતો અને નરેન્દ્ર સોનીએ તમામ સભ્યો ભેગા મળીને આપઘાત કરવા જણાવતાં 3 માર્ચના રોજ સાંજે પાંચ વાગે ઝેરી દવા કોલ્ડ ડ્રિન્ક્સમાં ભેળવી પી લીધી હતી, જેમાં નરેન્દ્ર સોની(ઉં.વ.60), પુત્રી રિયા(ઉં.વ.16),પૌત્ર પાર્થ (ઉં.વ.4)નાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે સારવાર દરમિયાન પત્ની દીપ્તિ સોની(ઉં.વ.54) અને પુત્ર ભાવિન સોની(ઉં.વ.29)નાં પણ મોત થયાં હતાં. પુત્રવધૂ ઉર્વી (ઉં.વ.28)ની હાલત ગંભીર છે.


Download Our B K News Today App



Related News