૧૬ ચેકપોસ્ટ કાયમી નાબૂદ કરવા ગુજરાત સરકારનો આખરે ફેંસલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:08:47
  • Views : 482
  • Modified Date : 2019-11-15 11:08:47

ગુજરાત સરકારે આજે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે હેઠળ વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટો કાયમી ધોરણે ૨૦મી નવેમ્બરથી નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચેકપોસ્ટ નાબૂદ કરવાથી રાજ્ય સરકાર રોડ સેફ્ટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. બીજી બાજુ આજે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી જેના ભાગરુપે
આરટીઓની નવી સાત સેવાઓ અરજદારોને ઘેરબેઠા જ મળી શકશે. હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો, ટ્રાન્સપોર્ટ વાહનો, પસંદગીના નંબરો, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, ટેક્સ અને ફીની ચુકવણી અરજદાર આરટીઓ કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠા આ સેવાઓ મેળવી રહ્યા છે. આરટીઓ ચલણની કામગીરી મેન્યુઅલ પદ્ધતિના બદલે ૨૦મી નવેમ્બરથી ઇ-ચલણ પર હેન્ડ હેલ્ડ ડિવાઇઝથી થશે. ચેકિંગ અધિકારીઓને હેન્ડ હેલ્ડ ડિવાઇસ આપવામાં આવશે. આ સાધનના ઉપયોગ દ્વારા આરટીઓની કામગીરીમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવશે. ચેકપોસ્ટ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર ઉદ્યોગોમાં રાહત થશે. વાહન વ્યવહારની ઝડપ વધશે. ઇંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે. વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફીની ચુકવણી ઓનલાઈન કરી શકશે.
રાજ્ય સરકારે આજે  વધુ એક મોટી અને બહુ મહત્વની જાહેરાત કરી હતી કે, આગામી તા.૨૦ નવેમ્બરથી ૧૬
ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવશે. જેથી હવે આ ચેકપોસ્ટના રૂટવાળા વાહનોના દંડ ઇ ચલણથી વસૂલવામાં આવશે. સાથે સાથે બીજી પણ બહુ અગત્યની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે,
રાજયની ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલીટેકનીકમાંથી લ‹નગ લાયસન્સ (કાચા લાયસન્સ) કઢાવી શકાશે. આવતીકાલે ૧૫ નવેમ્બરથી લ‹નગ  લાયસન્સની કામગીરી શરૂ કરવામાં આવશે. આમ હવે નાગરિકોને આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં એમ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ૧૬ ચેક પોસ્ટ નાબૂદ થવાના કારણે, વાહન ચાલકો ટેક્સ અને ફી પરિવહન.ગવ.ઇન પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. ૩૩૨ કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ
પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની
 પરવાનગી ઓડીસી મોડ્‌યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હવેથી કાચા લાયસન્સ આઇટીઆઇ કક્ષાએથી ઇશ્યુ કરાશે. રાજયની ૨૨૧ આઇટીઆઇમાંથી આવતીકાલથી અને ૨૯ પોલીટેકનીક કોલેજમાંથી તા.૨૫મી નવેમ્બરથી કાચા લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. ઓનલાઇન સેવામાં નવી સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લીકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. આ માટે જે તે વ્યક્તિએ ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. હાલ ગુજરાત સરકાર પાસે ૨૦૧૦ પછીનો વાહનોનો તમામ ડેટા ઉપલબ્ધ છે. આગામી ત્રણ મહિનામાં ૨૦૦૧ થી ૨૦૧૦ સુધીનો ડેટા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે છેલ્લા ૨૦ વર્ષનો રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ બનશે. વાહન ચાલકો હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ પરથી માર્ગ દર્શન મેળવી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળશે અને ધંધા રોજગારમાં ગતિ આવશે અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ નિર્ણયથી સીધી કે પરોક્ષ રીતે ૪૦ લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત વાહન ચાલકો માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર (૦૭૯) ૨૩૨૫૭૮૦૮ અને ૨૩૨૫૧૩૬૯ પર રજૂઆત કરી શકશે. તેમજ ઈમેલ અને વેબસાઈટ સીઓટી.ગુજરાત.ગવ.ઇન પરથી વધારાની માહિતી મેળવી શકશે. રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભીલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.

Download Our B K News Today App



Related News