મનગમતા ઉમેદવારોને પસંદ કરવાનો લોકશાહીનો અમૂલ્ય અવસર ઃ તંત્ર સજ્જ, આજે મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 11:30:34
  • Views : 287
  • Modified Date : 2021-02-28 11:30:34

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકામાં આજે  નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઈને શનિવારે  સ્ટ્રોંગ રૂમથી ઇવીએમ લઈને કર્મચારીઓ મતદાન મથકે રવાના થઈ ગયા હતા. અને આજે સવારથી યોજાનાર મતદાન માટે તંત્ર સજ્જ થઈ ગયું છે.
આજે રવિવારે બનાસકાંઠા જિલ્લામાં  પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી છે. પાલનપુર નગરપાલિકામાં ૧૧ વોર્ડ માટે ૧૩૮ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ૧૨૮ મતદાન મથકો પર ૧,૧૬,૭૦૬ મતદારો મતદાન કરશે, અને જગાણા એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરુમ  ખાતે થી ઈવીએમ મતદાન મથકે રવાના કરી દેવાયા છે. આ સિવાય ડીસામાં પણ ૧૧ વોર્ડ માટે ૧૫૭ ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ૮૮ મતદાન મથક ઉપર ૯૨,૬૬૫ મતદારો મતદાન કરશે. અહીં પણ ડીસાની એસ. સી. ડબલ્યુ. હાઇસ્કૂલ ખાતેથી ઈવીએમ મતદાન મથક ઉપર રવાના કરાયા છે. જ્યારે ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે પણ ૬ વોર્ડ માટે કુલ ૫૭ ઉમેદવાર મેદાનમાં છે, અને ૨૦ મતદાન મથકો પર ૧૪૮૨૩ મતદારો મતદાન કરશે. તમામ જગ્યાએ કોવિડની ગાઈડલાઈન અનુસાર મતદાન મથકો પર થર્મલ ગન, સેનેટાઈઝર સહિતની તૈયારીઓ પણ કરાઈ છે, અને કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારથી મતદાન શરૂ થશે.

Download Our B K News Today App



Related News