અહેમદાબાદ : આ વર્ષે નાથ નીકળશે નગરચર્યાએ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સવારે 6 વાગ્યે નિકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 14:21:30
  • Views : 238
  • Modified Date : 2021-06-30 14:21:30

     કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આ વર્ષે ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. દર વર્ષે રથયાત્રાના આયોજન સાથે સંકળાયેલી ઉચ્ચસ્તરીય વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે DivyaBhaskrને આ માહિતી આપી છે. કોરોના મહામારીને લીધે ગત વર્ષે અમદાવાદમાં 143મી રથયાત્રા નિકળી શકી નહોતી, પરંતુ આ વર્ષે ભગવાન નગરચર્યાએ નિકળશે એ નક્કી થઈ ગયું છે. આ મામલે સરકાર છેલ્લી ઘડીએ જાહેરાત કરી શકે છે. રથ નિકળે તે દરમિયાન રુટ પરના વિસ્તારોમાં જનતા કર્ફ્યુ લાદવાની પણ વિચારણા છે.

    ગત વર્ષે કોરોના કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જો કે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળશે. DivyaBhaskar પાસે રથયાત્રાને નીકળવાને લઈ અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જો કે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય. આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે. પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઉભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. 10 જુલાઈના રોજ યોજાનાર ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે.

    રથ સરસપુર પહોંચ્યા બાદ દર વર્ષથી જેમ મહાજમણવાર નહીં થાય અને ભગવાન 10 મિનિટ જેટલું જ રોકાણ કરશે. મામેરાની વિધિ અગાઉથી પૂર્ણ કરી દેવામાં આવશે. સરસપુર ખાતે ભગવાનને મામેરૂ અર્પણ કરી તુરત જ રથ રવાના કરી દેવામાં આવશે. બપોરે 12થી 1 વાગ્યાની આસપાસ રથ નિજમંદિરે પરત પહોંચી જશે. બપોર બાદ મંદિરમાં લોકો રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી શકશે. મંદિરે તમામ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને ગાઇડલાઇન મુજબ દર્શન કરશે.

    જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા મામલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે મગનો પ્રસાદ સ્વીકારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો દ્વારા મંદિરમાં પ્રસાદ માટે મગ આપવામાં આવી રહ્યા છે. મંદિરના સૂત્રો મુજબ રથયાત્રામાં ત્રણેય ભગવાનના રથ ખેંચવા માટે ખલાસીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જે ખલાસીઓએ વેકસીન લઈ લીધી છે તેઓના લિસ્ટ મંગાવવામાં આવ્યા છે.

    એક રથ સાથે માત્ર 40 ખલાસીઓ હાજર રહેશે. જેને લઈ ખલાસીઓનું લિસ્ટ પણ મંગાવવામાં આવ્યું છે. 150 જેટલા ખલાસીઓને જ હાજર રાખવામાં આવશે. આ તમામ 150 ખલાસી એવા હશે જેમને વેક્સીનેટેડ કરી દેવાયા હશે. રથયાત્રા પહેલા મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરમાં સેવા આપતા મોટાભાગના સેવકોએ વેકસીન લઈ લીધી છે. રથયાત્રા પહેલા જોડાનાર સેવક- સ્વયંસેવકોએ વેકસીન લેવાની રહેશે. જેના માટે જગન્નાથ મંદિર પરિસરમાં પણ વેકસીનનો કેમ્પ લગાવવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News