55 કરોડના ખર્ચે બનેલા અમદાવાદના શીલજ ઓવરબ્રિજની લાઈટ 9 દિવસમાં જ બંધ, ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 12:22:33
  • Views : 306
  • Modified Date : 2021-01-29 12:22:33

    શહેરમાં એક મહિનામાં અનેક ઉદઘાટન થયા. સરકારી કામોની તડામાર તૈયારીઓ દેખાતી હતી. જેના કારણે બ્રિજ અને અન્ય કામકાજના ક્યાંક વ્યક્તિગત હાજરીમાં તો ક્યાંક ઓનલાઈન લોકપર્ણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અમદાવાદના થલતેજથી શીલજ તરફ રેલવે ઓવરબ્રિજનું પણ ઉદઘાટન થયું હતું. પરંતુ ઉદઘાટનના બે દિવસ રોશનીથી ઘેરાયેલા ઓવરબ્રિજને હજી 9 દિવસ પુરા નથી થયા ત્યાં લાઈટો બંધ થઈ ગઈ છે.

    અમદાવાદ થલતેજથી શીલજ તરફ જતા ઓવર બ્રિજને તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણને આજે 9 દિવસ પુરા થયા છે. ત્યારે લોકાર્પણના સમયે સમગ્ર ઓવર બ્રિજને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યો હતો. લોકો બ્રિજની રોશની અને ઝગમગાટ જોવા આવતા હતા. લોકાર્પણ થયાના 9 દિવસમાં લગાવેલી રોશની તો નથી પરંતુ બ્રિજ પર લાગેલી પોલ લાઈટ પણ સંપુર્ણ બંધ થઈ ગઈ છે. જેના કારણે બ્રિજ અંધકાર છવાઈ ગયો છે. અને રાતે મોડા પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

    અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે 21 જાન્યુઆરીના રોજ શહેરના થલતેજ-શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 55 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે. રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતી રેલવેલાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો, જેને કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા. પરંતુ થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતાં 10 લાખ લોકોને રાહત મળશે.

    આ બ્રિજ બનાવવા માટે 60 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પણ 55 કરોડમાં કામ પૂર્ણ થયું છે, એટલે અંદાજ કરતાં પણ ઓછા ખર્ચમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. આ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું છે. અમિત શાહ વિડિયો-કોન્ફરન્સથી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણમાં જોડાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.

    આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલવે ઓવરબ્રિજ બનવાને કારણે થલતેજથી શીલજ જવા માટે સમય પણ બચશે અને ટ્રાફિક પણ નહીં થાય. બ્રિજ બન્યા પહેલાં થલતેજથી શીલજ જવા માટે ફાટક આવતો હતો અને ટ્રેન પસાર થઈ જાય ત્યાં સુધી વાહનચાલકોએ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે બ્રિજ બની જતાં જ વાહનચાલકોને રાહત મળશે.


Download Our B K News Today App



Related News