અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો: 8 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 10:54:26
  • Views : 683
  • Modified Date : 2019-08-10 10:54:26

બહુ રાહ જોવડાવ્યા પછી આખરે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર રીતે એન્ટ્રી કરી છે. ગઈકાલે આખો દિવસ ઝરમર વરસાદ પડ્યા બાદ મોડી રાતથી એટલે કે બાર વાગ્યા પછીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સવારે છ વાગ્યા સુધી ચાલ્યો હતો. આખી રાત વરસેલા વરસાદને કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. એક જ રાતમાં 8 ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. સવારે ચારથી પાંચ વાગ્યા સુધીના માત્ર એક જ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અવિરત વરસાદને પગલે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એકથી લઇ ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. સલામતીના કારણોસર અમદાવાદના ચાર અંડરપાસ બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. હજુ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી હોય સ્થિતિ વધુ ગંભીર થવાની શક્યતાઓ છે સવારે પોતાના નાના-મોટા કામથી નીકળેલા અનેક લોકો પાણીમાં ફસાયા છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં બંધ પડ્યા છે. આવી સ્થિતિ જોઈને અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે. આજે સ્કૂલમાં રજા હોવાના મેસેજ સવારે સાત વાગ્યા પહેલા જ વાલીઓના મોબાઈલ પર આવી ગયા હતા. અમદાવાદના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, સિંધુભવન રોડ ડ્રાઈવિંગ રોડ, ગુરુકુળ વિસ્તાર, પ્રહલાદ નગર ગાર્ડન, આનંદ નગર રોડ, ગોતા વિસ્તાર, કેશવબાગ, માનસી ચાર રસ્તા, હેલમેટ ચાર રસ્તા, વાડજ, રાણીપ, નારણપુરા નવરંગપુરા ઘાટલોડિયા ચાંદલોડિયા પાલડી તથા વાસણાનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદ પૂર્વના બાપુનગર, રખીયાલ, ગોમતીપુર, સરસપુર, અસારવા, કાલુપુર, અમરાઈવાડી, મણીનગર, જશોદાનગર, વસ્ત્રાલ, શાહપુર, દાણીલીમડા, દરિયાપુર વગેરે જેવા અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. એસજી હાઇવે પાસે આવેલા અને અમદાવાદના શ્રેષ્ઠ મોડેલ રોડમાં જેની ગણતરી થાય છે તેવા સિંધુભવન રોડની હાલત સૌથી વધુ ખરાબ અને કફોડી છે. સમગ્ર રોડ પર પાણી જોવા મળે છે. આ જ રીતે એસ.જી હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. અમદાવાદ પશ્ચિમના છેવાડે આવેલા પણ અત્યંત કફોડી હાલત છે અહીં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શાળાઓમાં રજા જાહેર થઇ તે પહેલા ઘણા વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે જવા રવાના થયા હતા, પરંતુ તેઓ રસ્તામાં જ પાણીમાં ફસાઈ ગયા હતા. કેટલીયે માતાઓના ટુ વ્હીલર બંધ પડી ગયા હતા, ઘણા પિતાના બાઈક બંધ થયા હતા. આજ રીતે કેટલીક ગાડીઓ પર ફસાઈ ગઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો જલદીથી નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્પોરેશન એ સલાહ આપે છે કે નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી આજે ઘરની બહાર જવાનું ટાળવું. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા મોડી રાત્રે ત્રણ વાગ્યે જ ભારે વરસાદની સ્થિતિની ગંભીરતાને સમજીને કંટ્રોલરૂમ પહોંચી ગયા હતા. ભારે વરસાદને કારણે અમદાવાદ જળબંબાકાર થઈ રહ્યું છે, પરંતુ બીજી બાજુ અમદાવાદીઓ ખુશ પણ છે કારણ કે છેલ્લા બે વર્ષથી ચોમાસાની મોસમમાં પણ અમદાવાદમાં જોઈએ એવો વરસાદ આવતો નથી. આ વખતે પ્રથમ વખત એવું લાગ્યું છે કે ચોમાસું બરાબર જામ્યું છે. આથી કપલો અને નાગરિકો શહેરમાં પાણી જોવા માટે નીકળી પડ્યા છે.

Download Our B K News Today App



Related News