ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચે શરૂ કર્યું અભિયાન, ટીમના 2 દિવસ ગુજરાતમાં ધામા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:07:39
  • Views : 209
  • Modified Date : 2022-07-21 11:07:39

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચે શરૂ કર્યું અભિયાન, ટીમના 2 દિવસ ગુજરાતમાં ધામા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. ત્યારે તારીખ 22-23ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાત આવશે. અહીં ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે બે દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ બે દિવસીય બેઠક યોજાશે. જેમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ તેમજ ઈવીએમ ફર્સ્ટ લેવલ ચેકિંગને લઈને વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

તમામ જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓને હાજર રહેવા આદેશ

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં નવેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. ત્યારે 22 જુલાઈના રોજ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરીને લઇને ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો છે. જેમાં 32 જિલ્લા કલેક્ટરો અને નાયબ જિલ્લા અધિકારીઓ અને EVM સપ્લાય કરતી અન્ય એજન્સીના ઇજનેરોની ટીમ હાજર રહેશે.

ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી અથવા તો બીજા સપ્તાહથી EVM, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી. પેટના ફર્સ્ટ લેવલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને ઓગષ્ટના અંત સુધીમાં સંપન્ન કરી દેવામાં આવે તેવાં સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યાં છે. મળતી વિગતો મુજબ, રાજ્યની વિધાનસભા માટે રાજ્યભરમાં 56 હજારથી વધુ મતદાન મથકો આવેલા છે. એટલે ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી સપ્ટેમ્બરમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ યોજાઇ શકે છે તેવાં સંકેતો પંચના વિશ્વસનીય સૂત્રો તરફથી મળી રહ્યાં છે.

અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતની મુલાકાતે

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એવામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતની મુલાકાતે આવશે. અહીં તેઓ સુરતમાં સસ્તી વીજળીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઇએ કે, કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં તેઓ દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સસ્તી વીજળીની જાહેરાત કરી શકે છે.

 

 

Download Our B K News Today App



Related News