રાજકોટના બા-દાદાનું હાથમાં યુરિનની થેલી પકડી મતદાન, તો વડોદરાના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-21 13:22:59
  • Views : 322
  • Modified Date : 2021-02-21 13:22:59

    રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મતદાનનાં એક મહિના પહેલાથી પ્રજાને આકર્ષવા માટે અલગ-અલગ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરતી હોય છે. તેમ છતાં યંગસ્ટર્સમાં આજે પણ મતદાનની જાગૃત્તા ઓછી જોવા મળે છે બીજીતરફ વૃદ્ધોમાં મતદાનનો અલગ જ જુસ્સો ઉભરાયો છે. 70થી 100 વર્ષની ઉંમર હોવા છતાં વહેલી સવારથી મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાનો મત આપી રહ્યા છે. સામાન્ય દિવસમાં વૃદ્ધો વહેલી સવારે પહેલા ભગવાનના મંદિરે દર્શન કરી અન્ય કામ કરે છે ત્યારે આજના દ્રશ્યો જોઈ એવું લાગી રહ્યું છે કે બા-દાદાએ મંદિર પહેલા મતદાનને વધારે મહત્વ આપ્યું છે.

    અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર તેમજ ભાવનગરમાં સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીના મતદાનમાં યુવાઓ કરતા વૃદ્ધોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. અલગ-અલગ કેન્દ્રોમાં બે પગે ચાલી ન શકતા, પેરાલીસીસની પીડાતા, અકસ્માતમાં બંન્ને પગ ગુમાવનાર તેમજ હાથમાં યુરિનની બેગ લઇ બાએ મતદાન કરતા જોવા મળ્યા છે. કેટલાક કેન્દ્રોમાં એકબીજાનો સહારો બની તો ક્યાંક પૌત્ર-પૌત્રીનો હાથ પકડી બા-દાદા પોતાનો મત આપવા માટે આવી પહોંચ્યા હતા. આટલી ઉંમરમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા બા-દાદાને જોઈ અન્ય લોકો પણ નવાઈ પામી ગયા હતા.

    અમદાવાદ શહેરમાં સવારે સાત વાગ્યાથી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ની શરૂઆત થઈ છે, જેમાં શહેરના ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં પહેલા 2 કલાક દરમિયાન નીરસ વાતાવરણ જોવા મળ્યું, એટલે કે એકલ દોકલ મતદારો મતદાન મથકે જોવા મળ્યા. સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી 10ના સમયગાળા દરમિયાન મતદારો, ભીડ થી બચવા માટે મતદાન કરી દેતા હોય છે, પરંતુ આ બન્ને વિસ્તારમાં સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને શરૂઆતના તબક્કામાં મતદાન મથકે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. નિવૃત પોલીસ અધિકારી તરુણ બારોટે બાપુનગર શ્રીજી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. બાદમાં તેમણે કહ્યું હતું કે આજે મતદાન કરવાનો દિવસ છે અને અતિ મહત્ત્વપૂર્ણ છે.

    મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ધીરે ધીરે મતદાન કરવા લોકો આવી રહ્યા છે ત્યારે બાપુનગર વિસ્તારમાં આવેલી શ્રીજી વિદ્યાલયમાં 17 વર્ષીય દોહિત્રી હરિતા રાઠોડ તેમના નાના-નાનીને લઇ મતદાન આપવા આવ્યા હતા. બાપુનગર ઘંટી સ્ટેન્ડ ખાતે રહેતા 73 વર્ષના લાસુબેન રાઠોડ અને 78 વર્ષના મધુભાઈ રાઠોડ મતદાન કરવા આવ્યા હતા. તેમની દોહિત્રી ઘરેથી હાથ પકડી અને તેમને મતદાન કરવા માટે લઈને આવી હતી. તેઓએ જણાવ્યું હતું ,કે મતદાન કરવું જરૂરી છે જેથી તેઓ નાના-નાનીને લઈને આવ્યા છે. હું એક વર્ષ બાદ મતાધિકારનો ઉપયોગ કરી શકીશ.

    અમદાવાદના નારણપુરામાં 70 વર્ષેના વૃદ્ધએ મતદાન કર્યું છે, અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ મત આપવા માટે આવી પહોંચ્યા હતા, વૃદ્ધએ કહ્યું કે, આ આપણો અધિકાર છે અને આ પવિત્ર પર્વ છે જેથી હું મારો પવિત્ર વોટ આપવા માટે આવ્યો છું. બીજીતરફ અમદાવાદના 70 વર્ષની ઉંમર અને પગ તથાં કરોડરજ્જુમાં તકલીફ હોવાથી લાકડીના સહારે ચાલતા સુરેશ પટેલ નામના વૃદ્ધે યુનિવર્સિટી પાસેની એ.જી. હાઈ સ્કૂલમાં મતદાન કર્યું છે, મતદાન મારો હાલ છે અને તમામ લોકોએ ચૂક્યા વિના મતદાન કરવું જોઈએ તેવી લોકોને અપીલ પણ કરી છે.

    રાજકોટ શહેરમાં મતદાનના મહાપર્વની ઉજવણી સ્વરૂપે રાજકોટવાસીઓ શહેરના દરેક મતદાન મથકે પહોંચી ગયા છે, યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના દરેક મતદારો મતદાન કરતા નજરે પડી રહ્યાં છે. તેમાંય 91 વર્ષીય વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ હતું. તો અન્ય એક 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે મતદાન કર્યુ હતું.

    અમદાવાદ નારણપુરાના તમામ મત કેન્દ્ર પર હેન્ડ ગ્લોસ આપવામાં આવતા નથી. કેટલાક બુથ પર બાજુ માં મૂકી દીધા છે તો કેટલાક બુથ પર તો પેકેટ તોડવામાં જ નથી આવ્યું. ટકોર કર્યા બાદ હેન્ડગ્લોસ વોટર્સ ને આપવામાં આવ્યા, સાથે નારણપુરાના તપોવન વિદ્યાલય માં ભાજપની સ્લીપ સાથે વોટર્સ અંદર સુધી આવી ગયા અને કોઈ એ તેમને ચકાસ્યા નહીં,નારણપુરાની સરકારી શાળાના બુથ માં પણ ભાજપની સ્લીપ સાથે વોટિંગ કરતા વ્યક્તિ નજરે પડ્યા. બાપુનગર ગુજરાતી શાળા નંબર 14-15ની 100 મીટરની હદમાં કોંગ્રેસના ધ્વજ લહેરાય છે. આચારસંહિતા નિયમ મુજબ 100 મીટરમાં કોઈ પક્ષના ધ્વજ કે પ્રતીક લગાવવા પર પ્રતિબંધ છે.


Download Our B K News Today App



Related News