અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરમાં 10 કરોડના ખર્ચે આરોગ્ય સુવિધાઓ ઉભી કરી, મુખ્યમંત્રીએ કહ્યું, આ મદદને ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 15:26:00
  • Views : 336
  • Modified Date : 2021-04-24 15:26:00

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે GMDC હોસ્પિટલ અને કોલવડા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પોતાના સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર સેવા માટે 10 કરોડના ખર્ચે સાધન સહાય ઉપલબ્ધ કરાવી છે. આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી સંબધિત સ્થળોએ પહોચાડવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર વાહકોએ રવાના કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ અને ગાંધીનગરમાં ઉભી કરેલી આરોગ્ય સુવિધાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર ગુજરાત વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.


    મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી છે તે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. ગુજરાતની જનતા અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર વચ્ચે ગુજરાતને અમિત શાહે કરેલી આ મદદ સહાય આશીર્વાદ રૂપ નીવડશે. સંકટના સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલી આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે આરોગ્ય સુખાકારીમાં વધુ સહાયક બનશે.

    નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમિત શાહે કોરોનાકાળમાં પોતાના મત વિસ્તારના લોકોની આરોગ્ય સુવિધાઓની પણ દરકાર કરીને આદર્શ સાંસદનો દાખલો બેસાડયો છે. આ પહેલથી સરકારી હોસ્પિટલોની આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનશેતેમ તેમણે ઉમેર્યું હતું.કોવિડ મહામારીના સમયમાં પ્રજાને જરુરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં રૂ.10 કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમાંથી 100 બાયપેપ મશીન અને 25 વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે.

    કેન્દ્રીયમંત્રીની આ વ્યવસ્થાના પગલે તાત્કાલિક ધોરણે 6 એમ્બ્યુલન્સ અને 2 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા જનતાને મળશે.સાથે જ અમદાવાદ જિલ્લાના 160 ગામડાઓ, ગાંધીનગર જિલ્લાના 100 ગામડા અને 4 નગરપાલિકા વિસ્તારની જનતાને રાહત થશે. તેમજ ગાંધીનગરને 1-એમ્બ્યુલન્સ વાન, 1-મોબાઈલ ટેસ્ટિંગ વાન અને 1-આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધાનો લાભ મળશે. જ્યારે અમદાવાદ ક્ષેત્રની પ્રજાને 6 એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદ સોલા સિવિલ ખાતે આંખના રોગોના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે.

    કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર,સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આઈ.સી.યુ.ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

    અમદાવાદના સાણંદ અને બાવળા વિસ્તારમાં 2 ડિજિટલ એક્સ રે મશીન, 2 સોનોગ્રાફી કલર મશીન, 6 ઓક્સિજન કોન્સનટ્રેટ મશીન, 12 બાયનોક્યુલર માઈક્રોસ્કોપ, 2 ડિજિટલ એક્સ રે મશીન અને ફિઝિયોથેરાપીના મશીનો ફાળવવામાં આવ્યા છે.ગાંધીનગર વિસ્તારમાં 1 સોનોગ્રાફીક મશીન, 1 ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનેલાઈઝર, 1 લેપ્રોસ્કોપીક મશીન યુનિટ, 1 પોર્ટેબલ ઈ.સી.જી મશીન અને 1 ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીન ફાળવવામાં આવ્યું છે.

    નગરપાલીકાવાર બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ અને સોલા સિવિલ અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) માટે એમ્બ્યુલન્સ. સાણંદ-બાવળા માટે મોબાઈલ લેબોરેટરી વાન, ડિજિટલ એક્સ રે મશીન, કલર સોનોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઈક્રોસ્કોપ અને ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરઢવ માટે એમ્બ્યુલન્સ વાન, ગાંધીનગર માટે બ્લડ સેલ મોબાઈલ વાન અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ તથા કાલોલ-ગાંધીનગર માટે બાયનોક્યુલર માઈક્રોસ્કોપ. કલોલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (સી.એચ.સી.) માટે સોનોગ્રાફી મશીન 3 ડી & 4 ડી, ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનલાઈઝર, લેપ્રોસ્કોપી ઓટોમેટિક કેમેસ્ટ્રી અને ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News