પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ દિવાળી પછી મંત્રીમંડળના વિસ્તરણની વકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:44:25
  • Views : 349
  • Modified Date : 2020-10-04 11:44:25

   ગુજરાત સરકાર અને ભાજપના નેતાઓ મંત્રીમંડળના ફેરફાર કે વિસ્તરણનો નન્નો ભણી રહ્યા છે, પરંતુ પેટાચૂંટણીઓના પરિણામ બાદ દિવાળી પછીના સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે તેવું ભાજપના સૂત્રો જણાવે છે. પેટાચૂંટણીમાં જીતીને આવેલા ઉમેદવારો પૈકી બે કે ત્રણ મંત્રી પરિષદમાં સ્થાન મેળવી શકે છે, આ ઉપરાંત વર્તમાન ભાજપના ધારાસભ્યો પૈકી કેટલાંકને પણ મંત્રી બનાવાઇ શકે છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢડા બેઠક પર આત્મારામ પરમાર ચૂંટાઇને આવે તો તેમને મંત્રીપદ આપવું પડે અથવા વિધાનસભાના સ્પીકર બનાવાય તો પણ વર્તમાન સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રીમંડળમાં સમાવવા પડે. ભૂતપૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું ન હોવાથી તેમને હવે મંત્રી બનાવાઈ શકે છે.

અગાઉ દિવ્ય ભાસ્કર સાથેના સાક્ષાત્કાર વખતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સોય ઝાટકીને કહ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું જ પડશે, જેથી દિવાળી પછીના સમયગાળામાં મંત્રીમંડળના વિસ્તરણની વકી લાગે છે. આ વિસ્તરણમાં વર્તમાન કેબિનેટરમાંથી ત્રણ કે ચાર મંત્રીઓ પડતાં મૂકાઇ શકે છે. જેમાં જામનગરના હકુભા જાડેજા, સૂરતના કિશોર કાનાણી, ભાવનગરના પરસોત્તમ સોલંકી, દાહોદથી બચુ ખાબડ જેવા વિવાદમાં ફસાયેલાં મંત્રીની બાદબાકી થઇ શકે છે.

નવા ચૂંટાયેલામાંથી કોણ મંત્રી બની શકે
નવા ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી ગઢડાથી આત્મારામ પરમારને ટિકિટ મળે તો અનુસૂચિત જાતિના સિનિયર નેતા તરીકે તેઓ મંત્રી બની શકે. આ ઉપરાંત મોરબીથી બ્રિજેશ મેરજા ચૂંટાઇ આવે તો તે જિલ્લાના પ્રતિનિધી તરીકે અને ધારીથી જે વી કાકડીયા ઉમેદવાર બની ચૂંટાય તો તેઓને અમરેલી જિલ્લાના પ્રતિનિધી તરીકે મંત્રીમંડળમાં સમાવાઈ શકે છે.

સંગઠનનો વારો પણ આવશે
ગુજરાત ભાજપ સંગઠનમાં થનારા ફેરફારોની હલનચલન વાતાવરણમાં અનુભવાઇ રહી છે અને શક્ય છે કે સી આર પાટીલ પેટાચૂંટણી પહેલા પોતાની ટીમ જાહેર કરી નાખે. પરંતુ ભાજપના એક નેતાના મતે હાલ સંગઠનમાં કોઇ ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે પેટાચૂંટણી માટે વર્તમાન સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપાઇ છે અને તેમાં કોઇ હવે ડિસ્ટર્બન્સ ઊભું કરાશે નહીં. પેટાચૂંટણી બાદ દિવાળીના તહેવારો પછી સંગઠનની નવી ટીમ જાહેર થશે.

Download Our B K News Today App



Related News