સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 113 દિવસ સુધી કોરોનાની સારવાર લીધી, 90 દિવસ ICUમાં રહી અમદાવાદના વૃદ્ધે કોરોનાને હરાવ્યો, ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 13:54:06
  • Views : 450
  • Modified Date : 2020-12-18 13:54:06

    દેશભરમાં કોરોનાનો કહેર છે. ત્યારે ગુજરાતમાં ધીમેધીમે કાબૂ આવતો હોય તેવું સરકારી આંકડાથી લાગી રહ્યું છે. ગુજરાતમાં ભરતસિંહ સોલંકી બાદ સોલા સિવિલમાં 113 દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે આજે કોરોનાને મ્હાત આપી છે. તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. વૃદ્ધે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને દેવેન્દ્ર પરમાર નામના 59 વર્ષીય વૃદ્ધે 113 દિવસે કોરોનાને હરાવ્યો છે. દેવેન્દ્રભાઈ આજે સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાની સૌથી લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી દેવેન્દ્ર પરમાર બન્યા છે. સોલા સિવિલમાં 113 દિવસ સારવાર દરમિયાન તેઓ 90 દિવસ ICUમાં રહ્યા હતા.

    ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી 101 દિવસની સારવાર કરાવીને મ્હાત આપી હતી. જેમાં તેઓ 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ થયા હતા. તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ ત્યાં જ સારવાર લીધી હતી. ભરતસિંહ સોલંકીને દાખલ કરાયા ત્યારે તેમનાં ફેફસાં એકદમ પથ્થર જેવાં કઠણ થઈ ગયાં હતાં, જેથી વેન્ટિલેટર પર મૂકવા છતાં પણ ઓક્સિજન લેવલ વધતું ન હતું, તેમને 100 ટકા ઓક્સિજન આપવા છતાં માત્ર 85 ટકા ઓક્સિજન જ પહોંચતો હતો. હૉસ્પિટલના ડો. અમિત પટેલ, ડો. ભાગ્યેશ શાહ, ડો. વિપુલ ઠક્કર અને ડો. સુરભી મદાન, 2 ફિઝિયોથેરાપિસ્ટ, નર્સ અને એટેન્ડેન્ટ સહિત સ્ટાફ સાથે કુલ 12 લોકોની ટીમ રાઉન્ડ ધ કલોક ખડેપગે રહી હતી.

    રાજ્યમાં અત્યાર સુધીમાં 88 લાખ 89 હજાર 965 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 32 હજાર 188ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને મૃત્યુઆંક 4211 થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 15 હજાર 528 દર્દી કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં ગઈકાલ સાંજની સ્થિતિએ 12449 એક્ટિવ કેસ છે તે પૈકી 65 વેન્ટિલેટર પર છે અને 12384 દર્દીની હાલત સ્થિર છે.


Download Our B K News Today App



Related News