મહારાષ્ટ્રના વાશિમમાં આવેલી હોસ્ટેલમાંથી 229 વિદ્યાર્થી પોઝિટિવ મળ્યા, રાજ્યમાં 126 દિવસ બાદ ફરી વધ્યા 8 હજારથી વધુ કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:24:50
  • Views : 279
  • Modified Date : 2021-02-25 12:24:50

    મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી પરેશાન કરનારા સમાચાર મળી રહ્યા છે. અહીં એક બોયઝ હોસ્ટેલમાંથી 229 વિદ્યાર્થી અને 3 સ્ટાફ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ હોસ્ટેલમાં અમરાવતી, નાંદેડ, વાશિમ, બુલ્ઢાના અને અકોલાના 327 વિદ્યાર્થી રહે છે. હવે સમગ્ર હોસ્ટેલને ક્વોરન્ટીન સેન્ટર કરવામાં આવ્યું છે. વાશિમ એ જ જિલ્લો છે, જ્યાં બે દિવસ પહેલાં રાજ્યના મંત્રી સંજય રાઠોડ હજારોની ભીડ સાથે એક મંદિર પહોંચ્યા હતા.દેશમાં કોરોનાના દર્દીઓ મળવાની ગતિ વધુ ઝડપી બની રહી છે. ખાસ રીતે મહારાષ્ટ્રમાં હવે રેકોર્ડ કેસ નોંધાવાના શરૂ થઈ ગયા છે. અહીં બુધવારે 126 દિવસ બાદ પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. આંકડા અનુસાર, બુધવારે અહીં 8807 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં 21 ઓકટોબરે 8,142 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા.

    દરરોજ મળી રહેલા દર્દીઓની બાબતે ભારત એક વખત ફરીથી દુનિયાનો ચોથો સૌથી વધુ સંક્રમિત દેશ બની ગયો છે. એક સપ્તાહ પહેલાં આ મામલે ભારત ટોપ-10 દેશોની યાદીમાથી પણ બહાર થઈ ગયું હતું, પરંતુ નવા કેસમાં ઝડપી વધારો થવાથી હવે તે ચોથા નંબર પર પહોંચી ગયું છે. અહીં દરરોજ 13 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

    પ્રથમ નંબર પર અમેરિકા છે, જ્યાં 70 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. બ્રાઝિલ બીજા નંબરે છે, જ્યાં 60 હજારથી વધુ દર્દીઓ મળી રહ્યાં છે. ફ્રાન્સમાં હજી દરરોજ 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.બુધવારે દેશમાં 16 હજાર 886 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 28 દિવસ બાદ પ્રથમ વખત હતું, જ્યારે 24 કલાકમાં 16 હજારથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. આ પહેલાં 28મી જાન્યુઆરીએ સૌથી વધુ 18 હજાર 912 લોકોને સંક્રમણ લાગ્યું હતું. આ સાથે હવે દર્દીઓની સંખ્યા 1 કરોડ 10 લાખ 46 હજાર પર પહોંચી ગઈ છે.

    તેમાંથી 1 કરોડ 7 લાખ 36 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 48 હજાર 691 દર્દી સારવાર હેઠળ છે, 1 લાખ 56 હજાર 742 દર્દી મૃત્યુ પામ્યા છે. આ આંકડા www.covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

    બંગાળ સરકારે અન્ય રાજ્યોથી વિમાન માર્ગે આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. એ મુજબ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તેલંગાણાથી આવતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે. આ રિપોર્ટ ફ્લાઇટના પ્રસ્થાનના 72 કલાક પહેલાંનો ન હોવો જોઈએ.કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના લાતુરમાં 27 અને 28 ફેબ્રુઆરીએ જનતા કર્ફ્યૂ રહેશે. લાતુરમાં 7થી 15 ફેબ્રુઆરીની વચ્ચે કોરોનાના 261 કેસ નોંધાયા હતા, જ્યારે ગયા એક અઠવાડિયામાં 300થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યાર બાદ વહીવટી તંત્રે જનતા કર્ફ્યૂનો નિર્ણય કર્યો.

    દિલ્હી AIIMSના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના નવા સ્ટ્રેનથી ગભરાવાની જરૂર નથી. આપણી વેક્સિન 70%, 80%, 90% અસરકારક છે. તેની અસરમાં થોડો ઘટાડો થશે તોપણ એ કામ કરશે. આનાથી ગંભીર બીમારી અને એનાથી થતાં મૃત્યુને નિશ્ચિતરૂપે ઘટાડો કરશે.દેશમાં કોરોના વધતા જતા કેસોને જોતાં દિલ્હી સરકાર અલર્ટ થઈ ગઈ છે. હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબથી દિલ્હી આવતા લોકોને નેગેટિવ RT-PCR બતાવવા પર જ તેમને દિલ્હીમાં એન્ટ્રી મળશે. આ નિયમ 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લાગુ રહેશે.

        દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન આપવામાં આવશે. આમાં 45 વર્ષથી ઉપરના બીમાર લોકો અને 60 વર્ષથી વધુના બધા જ લોકોને વેક્સિન આપવામાં આવશે. જો આ વયજૂથના લોકો સરકારી કેન્દ્રો પર જાય છે, તો તેમના માટે આ વેક્સિન મફત હશે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં તેમણે એની કિંમત ચૂકવવી પડશે.

        જાવડેકરે કહ્યું હતું કે સરકારી કેન્દ્રો પર આ વેક્સિનેશન મફત હશે, પરંતુ જે લોકો પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિન લગાવવા માગે છે તેમણે એની કિંમત ચૂકવવી પડશે. આગામી 3-4 દિવસમાં આરોગ્ય મંત્રાલય​​​આ બાબતે નિર્ણય લેશે કે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે કેટલી કિંમત ચૂકવવી પડશે. આરોગ્ય મંત્રાલય આ મામલે વેક્સિન-ઉત્પાદકો અને હોસ્પિટલો સાથે વાત કરી રહ્યું છે.

Download Our B K News Today App



Related News