નાનામેસરા ગામમાં ધામધૂમથી એકાદશી વ્રતનું ઉજવણુ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:29:24
  • Views : 730
  • Modified Date : 2019-05-05 11:29:24

સનાતન હિન્દુ ધર્મમાં શરીર અને મનને સંતુલિત રાખવા માટે વ્રત અને ઉપવાસના નિયમ છે. તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી વધુ મહત્વ એકાદશી વ્રતનું છે. એકાદશી વ્રત નિયમ પ્રમાણે કરવામાં આવે તો તે અનેક પુણ્ય અને લાભ આપે છે. થરાદ તાલુકાના નાનામેસરા ગામમાં છેલ્લાં ૧૨ મહિનાથી ગામલોકો સાથે મળીને ખુબ પ્રેમથી-ભાવથી અને શ્રધ્ધાથી એકાદશીનું વ્રત નિયમ મુજબ કરતા હતા. દર મહિનામાં બે વાર આવતી એકાદશીના દિવસે રાત્રે એકદશીની કથા અને  સત્સંગ પણ કરતા હતા વ્રતની પૂર્ણાહુતિ થતાં એકાદશીનું વ્રત કરનાર તમામ ભાઈઓ અને બહેનોએ સાથે મળીને તેનું ઉજવણુ ગામના મહાદેવના મંદિરે રાખ્યું હતું. મંદિરના પ્રાગણમાં  વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કરાયો હતો. સૌએ એકાદશી વ્રતની પૂર્ણાહુતિનો સંકલ્પ છોડ્‌યો અને આ તમામ વૈદિક કાર્ય ગામના ગોર મહારાજ કાળુરામજી દવે અને શાસ્ત્રી શ્રવણભાઈ દવે વેદમંત્રથી કર્યુ હતું, જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. એ દિવસે આખા ગામને અને ગામની દીકરીઓ માટે ભોજનપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નિમિત્તે ગામલોકોએ સાથે મળીને સુંદર મજાનું પંખીઘર બનાવવાનો નિર્ણય લીધો હતો. આમ એકાદશી વ્રતના ઉજવણામાં આખા ગામે ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રંગેચંગે તેમજ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.


Download Our B K News Today App



Related News