જલોત્રામાં મેઘાની ધમાકેદાર બેટિંગ ઃ કલાકમાં અઢી ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 11:57:44
  • Views : 786
  • Modified Date : 2020-09-17 11:57:44

વડગામ તાલુકાના જલોત્રા ગામમાં બુધવારે સાંજે એકાએક ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં  માત્ર એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ થતા પંથકં
પાણી -પાણી થઈ ગયો હતો. જ્યારે નજીકમાં આવેલી હરોડ નદી જીવંત બનતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
મૌસમ વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં છુટો-છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ થોડું કોરું નીકળતા વાતાવરણમાં બાફ સાથે ગરમીના કારણે લોકો પરેશાન થઇ રહ્યા હતા. ત્યાં જ બુધવારે સાંજે ચાર વાગ્યા આસપાસ જલોત્રા પંથકમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને માત્ર એક જ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાએ કરેલી ધુંવાધાર બેટિંગથી પંથકના માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી વહેવા માંડ્યું હતું. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  સતત વરસેલા વરસાદના કારણે અઢી ઇંચ જેટલો વરસાદ થતા આજુબાજુના વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે તેના પાળા તૂટતાં પાણી વહેવા માંડ્યું હતું. અને નજીકમાં આવેલી સૂકી ભઠ રહેલી હરોડ નદી વર્ષો પછી બે કાંઠે વહેતી થઈ હતી. આ નદી જીવંત બનતા તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડયા હતા. તો બીજી તરફ પર્વતમાંથી વરસાદી પાણી આવતા નજીકમાં આવેલા કરમાવદ તળાવમાં પણ પાણી ભરાવા પામ્યું છે.જેને લઈને આજુબાજુના ખેડૂતોના ખેતરો માં આવેલા કૂવામાં પાણીના તળ ઊંચા આવશે તેવો આશાવાદ ખેડૂતો સેવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News