પરિવાર પર જ એસિડ એટેક કરી માતાને છીનવી લીધી હવે પિતા જેલમાંથી બેઠાં-બેઠાં ફોન કરી પીડિત સંતાનોને હેરાન કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 14:57:31
  • Views : 320
  • Modified Date : 2021-03-09 14:57:31

    સુરત લાજપોર જેલમાં કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે એસિડ એટેકમાં માતાને ગુમાવી ચૂકેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોએ આરોપી પિતા જેલમાંથી ફોન કરી સમાધાન માટે દબાણ કરતા હોવાની કોર્ટમાં ફરિયાદ કરી છે. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    વરાછાની હરીધામ સોસાયટીમાં વર્ષ 2019ની 8મી ઓગસ્ટે પતિ છગન વાળાએ ભર ઊંઘમાં પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ એટેક કરી ભાગી ગયો હતો, જેમાં ગંભીર રીતે દાઝેલી પત્નીનું 20 દિવસ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે દીકરી પ્રવીણાની એક આંખ ખરાબ થઈ ગઈ છે અને દીકરી અલ્પાને એસિડને કારણે ઈજા થઈ હતી. એમબીબીએસનો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવનો પણ ચહેરો અને શરીર એસિડને કારણે ખરાબ થઈ ગયો હતો. આજે ભાર્ગવ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યો છે અને સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન શિપ કરી રહ્યો છે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે.

    પારિવારિક ઝગડો એ હદે વધી ગયો હતો કે, અચાનક પતિએ એસિડ એટેક કરી પત્નીનો જીવ લઈ લીધા બાદ હવે હત્યારો પિતા જેલમાંથી ફોન કરીને સમાધાન કરી લેવા પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે. નિંદ્રાવન પરિવાર પર એસિડ એટેક કરીને હત્યારો છગન વાળા પહેલાં જૂનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યું હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી. ઘટનાના 6 મહિના બાદ જેલમાં પુરાયો હતો.

    ડોક્ટર ભાર્ગવ વાળા (પીડિત પુત્ર)એ જણાવ્યું હતું કે, પિતા હીરાના કારખાનામાં કામ કરતા હતા. હીરાના કારખાનામાં હીરા સાફ કરવા માટે જે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હોય એ એસિડની બે બોટલ 40 રૂપિયામાં ખરીદી રાત્રીના સમયે ઘરે લઈને આવ્યા હતા. ત્યારબાદમાં ઉંઘમાં જ પત્ની અને સંતાનો પર એસિડ એટેક કર્યો હતો. ઘરકંકાસ ચાલતો હોવાને કારણે કંટાળીને પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે એસિડથી હુમલો કરી પિતા ફરાર થઈ ગયો હતો.

    પિતા છગન વાળાને દારૂ પીવાની ટેવ હતી અને તે કારણે ઘરમાં રૂપિયાને લઈ કંકાસ કરતા હતા. વારંવાર ઝગડો થતો ત્યારે પિતા ધમકી આપતા હતા કે તમારી હત્યા કરી નાંખીશ, પરંતુ પરિવારને લાગ્યું કે ગુસ્સામાં બોલે છે. આ વાત પિતાએ સાબિત કરી બતાવી હતી. આજે તેમને મળવા જવાની ઈચ્છા થાય છે પણ ઘટના આંખ સામે આવી જાય છે એટલે મન બદલી નાખુ છું અને હવે આ પરિવારને વિખેરી નાખવાનો પ્રયાસ કરનાર પિતાની ધમકીને લઈ ફરી એક વાર પોલીસ પાસે મદદ માંગી રહ્યું છે.

    ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, લાજપોર જેલમાંથી જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યા છે એ બીજા ત્રણ કેદીઓ પણ જેલની બહાર ફોન કરતાં હોવાનું કોલ ડિટેઇલની તપાસ કરતાં ખૂલ્યું છે. આરોપી પિતા છગન વાળા લાજપોર જેલમાં બંધ છે. જેલના લેન્ડલાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પિતા છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરી રહ્યા છે. પુત્ર ભાર્ગવ ઉપરાંત પુત્રી પ્રવિણા તથા અલ્પાના વેવાઈ અને મોટા ભાઇને પણ ફોન કરી સમાધાન કરવા માટે કોલ કરતા હોવાને કારણે ભાર્ગવે કેસની સુનાવણી દરમિયાન કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જે ત્રણ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવતા હતા તે નંબર કોર્ટમાં આપતાં પોલીસ સફાળી જાગી હતી.

    આર આર સરવૈયા (એસીપી-સુરત ક્રાઇમ) એ જણાવ્યું હતું કે, તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતાં તેમણે આ નંબર પૈકી એક નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં આ નંબર ઉપરથી જેલમાં બંધ એમડી ડ્રગ્સના ડિલર ઈસ્તિયાઝ ઉર્ફે મુન્ના ઈસ્માઇલ શેખ તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તે ઉપરાંત હત્યાનો આરોપી બબલુ મોરેશ્વર તાયડે પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હતો. ઢીંગલી ફળિયાના ગુલામ સાબીર ઉર્ફે સમીર સલીમ કુરેશી પણ તેનો ઉપયોગ કરી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ચારેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


Download Our B K News Today App



Related News