મ્યુકોરમાઇકોસિસ : રાજ્યમાં કોરોના કરતાં મૃત્યુદર સાડાત્રણ ગણો વધુ, દર્દીઓની રિકવરી પણ કોરોના કરતાં છઠ્ઠા ભાગની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 12:14:10
  • Views : 197
  • Modified Date : 2021-05-27 12:14:10

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ, ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 2,859 કેસ નોંધાયા છે. જોકે ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા હોવાથી અને તેમનું રિપોર્ટિંગ થયું ન હોય તેવા કિસ્સામાં આ આંકડો ઘણો વધુ હોઇ શકે છે, કારણ કે રાજ્યમાં 250થી વધુ લોકો આ ફૂગજન્ય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના રોગને કારણે થતો મૃત્યુદર કોરોના કરતાં સાડાત્રણ ગણો વધુ છે. દર હજાર દર્દીએ કોરોનાના 12 દર્દી મૃત્યુ પામ્યા એની સામે ગુજરાતમાં 41 દર્દી મૃત્યુ પામ્યાં હોવાનું ગુજરાત સરકાર સત્તાવાર રીતે જણાવે છે.

    રિકવરી રેટની દૃષ્ટિએ પણ મ્યુકોરમાઇકોસિસથી સાજાં થતા દર્દીઓની સામે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાડા છ ગણી વધુ છે. કોરોનાનો રિકવરી રેટ ગુજરાતમાં હાલ 91 ટકા જેટલો છે, તેની સામે મ્યુકોરમાઇકોસિસનો રિકવરી રેટ 14.3 ટકા જેટલો જ છે. ગુજરાત સરકારે આ બીમારીને રોગચાળો જાહેર કરી છે. હાલ સમગ્ર દેશમાં 11 હજાર કરતાં વધુ કેસ નોંધાયાં છે, તેમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં જેટલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ નોંધાયા છે તેમાંથી માત્ર ત્રીજા ભાગના દર્દીઓને જ કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા હતા, જ્યારે અડધા દર્દીઓને સારવાર દરમિયાન સ્ટિરોઇડના ડોઝ અપાયા હતા. મ્યુકોરમાઇકોસિસના મુખ્ય કારણમાં સ્ટરિલાઇઝ કર્યા વગરના ઓક્સિજન માસ્ક, સિલિન્ડર તથા સ્ટિરોઇડના ડોઝને ગણવામાં આવે છે.

    ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં એકસૂત્રતા જાળવવા માટે 11 નિષ્ણાત ડોક્ટરોના ટાસ્કફોર્સની રચના કરાઈ છે, જેમાં ડેન્ટલ, ઇએનટી, ઓપ્થેલ્મોલોજી અને મેડિસિન વિભાગના સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના તબીબોનો સમાવેશ થાય છે.

    મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5% દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4% દર્દીઓ 18થી 45 વર્ષની ઉંમરના, 46.3% દર્દીઓ 45થી 60 વર્ષના વયજૂથના છે, જ્યારે 60થી વધુ ઉંમર ધરાવતાં દર્દીઓનું પ્રમાણ 24.9% છે. અત્યારસુધી મ્યુકોરમાઇકોસિસના નોંધાયેલા દર્દીઓમાંથી 67.1% પુરુષો, જ્યારે 32.9% સ્ત્રીઓ છે.આ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ ડાયાબિટીસથી પીડાય છે, 22.1 ટકા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જ્યારે 15.2 ટકા દર્દીઓને જટિલ બીમારીઓ છે.


Download Our B K News Today App



Related News