ધાનેરાની ૧૯૫ આંગણવાડી કેન્દ્રો રામભરોસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 16:22:17
  • Views : 331
  • Modified Date : 2020-06-11 16:22:17

ધાનેરાની ૧૯૫ આંગણવાડી કેન્દ્રો રામભરોસે

ધાનેરા તાલુકામાં આઇ.સી.ડી.એસ. ઘટકમાં બે સેજા બનાવવામાં આવ્યા છે અને આ બન્ને સેજામાં ૧૯૫ આંગણવાડી કેન્દ્રોમાં આઠ 

સુપરવાઇઝરોની જગ્યાએ માત્ર બે સુપરવાઇઝર કામ કરતી હોવાથી આંગણવાડી કેન્દ્રો ઉપર સુપરવિઝનની ખોટ વર્તાઇ રહી છે. તેમજ વહીવટ પણ ભાંગી પડ્‌યો હોય તેવુ જણાઇ રહ્યુ છે.

      સરકાર દ્વારા ધાનેરા તાલુકાને ઓરમાયુ વર્તન કરવામાં આવતુ હોય તેવુ છેલ્લા સાતેક વર્ષથી લાગી રહ્યુ છે. જેમાં પછી ધાનેરાનું બસ સ્ટેન્ડ હોત, કે પિવાના પાણીની સમસ્યા હોય કે કોઇપણ કચેરીના સ્ટાફની વાત હોય દરેકમાં ઓરમાયુ વર્તન દેખાઇ રહ્યુ છે. પરંતુ હાલ વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં આઇ.સી.ડી.એસ. વિભાગમાં બે સેજા આવેલ છે અને બન્ને સેજામાં ૧૯૫ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. પરંતુ આઇ.સી.ડી.એસ. કચેરી ખાતે પુરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાથી ભારે મુસ્કેલીઓ વર્તાઇ રહી છે. હાલમાં સી.ડી.પી.ઓ. ની બે જગ્યામાં માત્ર એક જ ભરેલ છે. ત્યારે આઠ સુપરવાઇઝરના મહેકમ સામે છ બેઠકો લોકડાઉન પહેલા જ ભરવામાં આવી હતી. પરંતુ લોકડાઉન પુરુ થતાં જ તેમાંથી જે ત્રણ બહેનો આવી હતી તે બારોબાર ફરીથી જ્યાંથી આવી હતી ત્યાં પોતાની લાગવગ કરીને બદલી કરાવીને જતી રહેતા હવે માત્ર ત્રણ સુપરવાઇઝર છે, તેમાં પણ એક બીમાર છે. ત્યારે બીજા બે મહિના પહેલા આવ્યા અને હાલમાં બદલી કરાવવા દોડી રહ્યા છે. જેથી ધાનેરા તાલુકો બોર્ડર અને પછાત તાલુકો હોવાથી તાત્કાલીક ધોરણે સી.ડી.પી.ઓ. તેમજ સુપરવાઇઝરની જગ્યાઓ ભરાય તે જરૂરી છે. આ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યુ હતુ કે ધાનેરા ખાતે છ જગ્યાઓ ભરાયેલ હતી. પરંતુ ત્રણ બહેનો રાજકિય પ્રેસર લાવીને બદલી કરાવીને જતી રહેલ છે અને એકની બદલી થવાની તૈયારી છે અને આ બાબતે અમોએ જિલ્લા વિકાસ અધિકારીનું પણ ધ્યાન દોરેલ છે. પરંતુ તેમના ઓર્ડર કરવા અમારા હાથમાં નથી.


Download Our B K News Today App



Related News