ડીસાની ભણસાલી કોવિડ-૧૯ હોસ્પિ.માં આગથી દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:26:26
  • Views : 463
  • Modified Date : 2020-09-18 11:26:26

ડીસાની ભણસાલી
હોસ્પિટલ ખાતે આવેલ ફિઝિયોથેરાપિસ્ટ રૂમમાં શુક્રવારે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં રૂમમાં પડેલા લાખો રૂપિયાના મશીનો બળીને ખાખ થઇ ગયા હતા. પરંતુ સદનસીબે કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
સમગ્ર ભારતભરમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે જેમાં દિવસેને દિવસે લોકોમાં  સંક્રમણ વધતા કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની સારવાર લોકોને મળી રહે તે માટે ઠેર ઠેર કોવિડ-૧૯ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. આ
હોસ્પિટલમાં સરકાર દ્વારા દર્દીઓને તમામ પ્રકારની કોરોના થી રાહત મળી રહે તે માટે સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ અનેક જગ્યાઓ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ બહાર આવી રહી છે. અગાઉ પણ અમદાવાદ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી અનેક લોકો મોતને ભેટ્યા હતા. અને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું. ત્યારે ડીસા શહેરમાં વધુ એક ઘટના બનવા પામી હતી. જ્યાં કોરોના વાયરસની મહામારીમાં લોકોને સારવાર મળી રહે તે માટે ભણસાલી હોસ્પિટલ ખાતે કોવિડ૧૯ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં હાલ અનેક કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે શુક્રવારે બપોરે અંદાજે એક વાગ્યા આસપાસ આ હોસ્પિટલમાં આવેલા ફિઝિયોથેરાપિસ્ટ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા જ ભણસાલી હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે તેને ઓલવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આ આગને ઓલવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં આગ ધીમે ધીમે વધવા લાગી હતી. જ્યાં તાત્કાલિક ધોરણે ભણસાલીમાં હાજર ડોક્ટરો દ્વારા ડીસા નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી. જ્યાં તાત્કાલિક નગર પાલિકાનો સ્ટાફ અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને  આગને કાબૂમાં લેવા માટે
પાણીનો મારો શરૂ કર્યો હતો. જ્યાં અડધો કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવી હતી. પરંતુ શોર્ટસર્કિટના કારણે પાંચ લાખ ઉપરાંતના મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્‌નસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આગ લાગતા જ ઘટના સ્થળે પણ ભણસાલીનો સ્ટાફ તેમજ દર્દીઓના સગા વ્હાલા દોડી આવ્યા હતા. અને થોડા સમય માટે તો આગથી ભણસાલી હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Download Our B K News Today App



Related News