અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ 2,906 લોકોના 'એન્ટિબોડી' ટેસ્ટ કરાયા, જેમાં 445 લોકોમાં એન્ટિબોડી ડેવલપ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 11:26:04
  • Views : 231
  • Modified Date : 2021-01-04 11:26:04

    અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ 2,906 લોકોના 'એન્ટિબોડી ટેસ્ટ ' કરવામાં આવ્યા હતા, જેમાંથી 21.71 ટકા લોકોમાં, એટલે કે 445 લોકોમાં એન્ટિબોડી ડેવલપ થયું હોવાનું ધ્યાને આવ્યું છે, જ્યારે 78.29 ટકા, એટલે કે 1,605 લોકોમાં એન્ટિબોડી ડેવલપ ન થયું હોવાનું તારણ રિપોર્ટમાં આવ્યું છે. જેમનામાં એન્ટિબોડી હજુ ડેવલપ નથી થયું તેમણે ખાસ કોરોનાની રસી મુકાવવી જોઈએ. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના કુલ 3,919 કેસ નોંધાયા છે. હવે જિલ્લામાં રોજના પાંચ જેટલા કેસ જ આવી રહ્યા હોવાથી સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના જણાવ્યા મુજબ, જિલ્લામાં કોરોના સંક્રમિત કેટલા લોકોમાં એન્ટિબોડી વિકસિત થયું છે એ અંગે સર્વે હાથ ધરાયો હતો. ઘરેઘરે જઇને ટીમોએ કુલ 2,906 લોકોના લોહીનાં સેમ્પલ લીધાં હતાં.

    લેબોરેટરીમાં 2,050 લોકોના ટેસ્ટ માન્ય ઠર્યા હતા, જેમાંથી 445 લોકોમાં એન્ટિબોડી સર્જાઈ હોવાનું જણાયું હતું. જોકે બાકીના લોકોમાં એન્ટિબોડી વિકસિત નહોતું થયું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, ધોલેરા અને ધંધૂકા તાલુકાના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. RTPCR ટેસ્ટવાળા કુલ 194 લોકોમાંથી 101 લોકોમાં એન્ટિબોડી સર્જાઈ હતી. કોરોના ન થયો હોય તેવા લોકોનાં પણ સેમ્પલ લેવાયાં હતાં. એવા કુલ 825 લોકોનાં સેમ્પલ લેવાયાં હતાં જેમાંથી 13 ટકા લોકોમાં, એટલે કે 134 લોકોમાં એન્ટિબોડી સર્જાઇ હોવાનું જોવા મળ્યું હતું. સંક્રમિત ન હોવા છતાંય સેમ્પલો લેવાનો હેતુ એ હતો કે જે-તે વિસ્તારમાં પોઝિટિવ અને નેગેટિવ લોકોની એન્ટિબોડીનું વિશ્લેષણ કરી શકાય. સામાન્ય અને સરળ સમજ મુજબ શરીરમાં રોગ સામે લડવા માટે જે રોગપ્રતિકારક શક્તિ વિકસે એને એન્ટિબોડી કહેવાય છે. જેમનામાં એન્ટિબોડી વિકસિત નથી થયું તેમના માટે રોગ સામે લડવું મુશ્કેલ બને છે, માટે આ તબક્કે તેમને માટે કોરોનાની રસી લેવી જરૂરી બની રહે છે.


Download Our B K News Today App



Related News