ભાભર તાલુકાના જુના વજાપુર ગામના શખ્સ સાથે લૂંટની ઘટના સામે આવી છે જેમાં બે અજાણ્યા શખ્સોએ રીક્ષામાં બેસાડી બેભાન કરી સોનાના દાગીના તથા રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:04:44
  • Views : 352
  • Modified Date : 2021-02-07 12:04:44

    પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે ભાભર તાલુકાના જુના વજાપુર ગામના જેહાભાઈ ચોથાભાઈ રબારી ગુરુવારની સાંજના મેઢાળા ગામે પોતાની પુત્રીના સમાચાર લેવા માટે ગયા હતા. શુક્રવારે સવારના આઠ વાગ્યાના સુમારે મેઢાળાથી નીકળી સાડાદસ વાગ્યાના સુમારે થરાદ આવ્યા હતા. જ્યાં સરકારી દવાખાના આગળ જતા હાઈવે રોડ ઉપર ઉભા રહીને પોતાને તીર્થગામ જવાનું હોવાથી તીર્થગામ તરફના વાહનોની પુછપરછ કરતા હતા. આ વખતે બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા. અને કાકા તમારે ક્યાં જવાનું છે તેમ કહેતા તેમણે તીર્થગામ જવું છે ત્યાંથી પોતાના ગામ જુનાવજાપુરના વાહનો મળી જશે તેવી વાતચીત કરી હતી.આથી બંને શખ્સોએ કહેલ કે કાકા એક રીક્ષા તીર્થગામ બાજુ જાય છે તમારે આવવું હોય તો ચાલો તેમ કહેતાં તેઓ પીળાકલરની રિક્ષામાં વચ્ચે બેસી ગયા હતા. અને રિક્ષા વાવ રોડ તરફ રવાના થઈ હતી. ત્યારબાદ મોટી નર્મદા કેનાલ ઉપર આવી હતી. ત્યાર પછી જેહાભાઈને કશી ખબર પડી ન હતી. અને થોડીવાર પછી તેઓ અચાનક કેનાલ ઉપર એકલા ઉભા હતા. તેમની પાસે કોઈ રીક્ષા કે રીક્ષામાં બેઠેલ માણસો ન હતા. આ વખતે તેમણે પહેરેલા કેડીયામાં જોતાં આશરે રોકડ રૂપિયા ૧200 ન હતા. તેમજ બંને કાન ઉપર પહેરેલ સોનાના ઠાંસિયા આશરે દોઢ તોલા પણ ન હતા... આથી પેસેન્જર ભરેલી રિક્ષા ઊભી રખાવી તીર્થગામથી જુના વજાપુર ગયા હતા. જ્યાં પોતાના કાકા દેવશીભાઇ કેસરાભાઈ રબારીને વાત કરી હતી. ત્યારબાદ શુક્રવારે સાંજે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાંથી રિક્ષાગેંગ સક્રિય છે. તેમાં બેઠેલા શખ્સો દ્વારા આવી રીતે મુસાફરોને બેસાડીને તેમને લુંટી લેવામાં આવે છે. ભુતકાળમાં પણ અનેક બનાવો બનવા પામ્યા છે. થરાદ પોલીસે અજાણ્યા શખ્સો  સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને ચકચાર મચી જવા પામી હતી.

Download Our B K News Today App



Related News