તિહાડમાં રેડ, આતંકી તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઇલ સીઝ કરવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:48:38
  • Views : 242
  • Modified Date : 2021-03-12 10:48:38

    મુંબઈસ્થિત એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાડ જેલ સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીની બેરેકમાંથી મોબાઈલ ફોન સીઝ કર્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ, તિહાડમાં ગુરુવારે સાંજે 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી રેડ કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા એજન્સીઓએ જેલ નંબર-8માં રેડ કરી. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની બેરેકમાંથી મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ એક્ટિવેટ કરવામાં આવી હતી. તહસીન અખ્તર, પટનાના ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બબ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ, બોધગયા બોમ્બબ્લાસ્ટમાં સામેલ રહ્યો છે.

    તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો, આ મોબાઈલમાં ટોર બ્રાઝર દ્વારા વર્ચ્યુઅલ નંબર ક્રિયેટ કરવામાં આવ્યો અને પછી ટેલિગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું. એ પછી ધમકીભર્યું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું. હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ તહસીન અખ્તરને જેલમાંથી રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે.એની સાથે જ એક બીજો મોબાઈલ નંબર પણ સ્પેશિયલ સેલના રડાર પર છે. આ નંબર સપ્ટેમ્બરમાં એક્ટિવેટ થયો હતો અને પછી બંધ કરી દેવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, બે મોબાઈલ નંબર નકલી દસ્તાવેજના આધારે તિહાડમાં બંધ કેટલાક લોકો માટે ખરીદવામાં આવ્યા હતા.

    ખાનગી સાયબર ફર્મે તૈયાર કરેલા એક સિક્યોરિટી એનાલિસિસ રિપોર્ટના જણાવ્યા અનુસાર, એ ટેલિગ્રામ ચેનલ 26 ફેબ્રુઆરીએ 3 વાગ્યે ટોર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. એનો ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. જે સિમકાર્ડથી આ કરવામાં આવ્યું હતું એનું લોકેશન તિહાડ જેલ આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક હિસ્સો છે, જેને માત્ર TOR જેવા નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે, નહિ કે પારંપરિક સર્ચ એન્જિન પર.

    28 ફેબ્રુઆરીએ વિસ્ફોટકથી ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે લીધી હતી. જોકે એના આગલા દિવસે અન્ય એક ટેલિગ્રામ ચેનલથી આ સંગઠને એક પોસ્ટર બહાર પાડીને આ વાતનો ઈન્કાર કર્યો હતો.વિસ્ફોટક રાખવાની જવાબદારી લેનાર સંગઠને લખ્યું હતું કે આ માત્ર ટ્રેલર છે અને પિચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કંઈ જ કરી શક્યા ન હતા, જ્યારે અમે તમારી નાકની નીચે દિલ્હીમાં હિટ કર્યું હતું, તમે મોસાદની સાથે હાથ મિલાવ્યા, જોકે કંઈ ન થયું. તમને ખબર છે, તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો, જે તમને પહેલાં કહેવામાં આવ્યું હતું.

    બીજા દિવસે જૈશ-ઉલ-હિંદ નામની બીજી ટેલિગ્રામ ચેનલને કહેવામાં આવ્યું, 'આજે સવારે અમે જોયું કે ભારતીય મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે જૈશ-ઉલ-હિંદે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર બનેલી ઘટનાની જવાબદારી લીધી છે. અમને જૈશ-ઉલ-હિંદ નામના ટેલિગ્રામ અકાઉન્ટની પણ જાણકારી મળી છે, જેમાં આ જ ઘટનાને ટાંકીને એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે.

    અમે પોસ્ટરથી સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ ઘટના સાથે જૈશ-ઉલ-હિંદનો કોઈ સંબંધ નથી. મુકેશ અંબાણીના બંગલાની બહાર બનેલી ઘટના, કથિત ટેલિગ્રામ અકાઉન્ટ અને પત્રનો અમારે કોઈ સંબંધ નથી. અમે બનાવટી પોસ્ટરો બનાવવા બદલ ભારતીય ગુપ્તચર એજન્સીઓની નિંદા કરીએ છીએ. અમે ક્યારેય પણ કુફ્રો (ઈશ્વરને ન માનવાવાળા) પાસેથી ખંડણી ક્યારેય લેતા નથી અને ભારતીય ઉદ્યોગપતિ સાથે અમારી કોઈ લડાઈ નથી; અમારી લડત ભાજપ અને સંઘ સામે છે.આ પત્ર દ્વારા મુસ્લિમોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી ભારતના નિર્દોષ મુસ્લિમો સામે જે દુષ્ટ કાર્યો કરે છે એની સામે અમે લડી રહ્યા છીએ. અમે શરિયત માટે લડી રહ્યા છીએ, પૈસા માટે નહીં. અમે બિનસાંપ્રદાયિક લોકશાહીની વિરુદ્ધ લડી રહ્યા છીએ, અંબાણી સામે નહીં.'

    25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ પર આવેલા એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 1 વાગે આ ગાડી એન્ટિલિયા બહાર ઊભેલી જોવા મળી હતી. બીજા દિવસે ગુરુવારે પોલીસની એના પર નજર પડી હતી અને કારમાંથી 20 જિલેટિન સ્ટિક્સ મળી હતી.5 માર્ચે આ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની લાશ મળી આવી હતી. થોડા દિવસ પહેલાં જ મનસુખે આ ગાડી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી મહારાષ્ટ્ર ATSએ મનસુખની હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 2 હજારથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે.




Download Our B K News Today App



Related News