ગંભીર બેદરકારી : 3 મહિલાને કોરોનાની જગ્યાએ આપી દીધી હડકવાની વેક્સિન, 70 વર્ષની મહિલાની સ્થિતિ ખરાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 17:05:48
  • Views : 347
  • Modified Date : 2021-04-09 17:05:48

       ઉત્તરપ્રદેશના શામલીમાં કોરોના વેક્સિન દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી છે. અહીં 3 મહિલાને કોરોનાની જગ્યાએ એન્ટી-રેબીઝ (કૂતરું કરડવાથી આપવામાં આવતું ઈન્જેક્શન) આપી દેવામાં આવી છે. એને કારણે 70 વર્ષની એક મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ છે. ત્રણેય મહિલાની ઉંમર 60 વર્ષ કરતાં વધુની છે.ઘટના શામલીના કાંધલા સ્વાસ્થ્ય કેન્દ્રની છે. ગુરુવારે કાંધલામાં રહેતાં 70 વર્ષના સરોજબેન, 72 વર્ષનાં અનારકલી અને 60 વર્ષનાં સત્યવતીબેન કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવા માટે સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચ્યાં હતાં. ત્રણેયે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હાજર કર્મચારીએ મેડિકલ સ્ટોરમાંથી રૂ. 10-10વાળી ત્રણ સિરિંજ મગાવીને તેમને વેક્સિન આપી હતી. ત્યાર પછી ત્રણેય ઘરે જતા રહ્યાં હતાં.

      ઘરે પહોંચ્યાના થોડીવારમાં જ સરોજની હાલત ખરાબ થવા લાગી હતી. તેમને ચક્કર આવવા લાગ્યાં હતાં અને ગભરામણ થવા લાગી હતી. પરિવારના સભ્યોએ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરી દીધાં હતાં. ત્યાં ડોક્ટરે સ્વાસ્થ્ય કેન્દ્રની ચિઠ્ઠી જોઈને કહ્યું હતું કે તેમને એન્ટી-રેબીઝની વેક્સિન આપવામાં આવી છે. બેદરકારી સામે આવ્યા પછી મહિલાનાં પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને મેડિકલ ઓફિસર સંજય અગ્રવાલને ફરિયાદ કરી હતી.જિલ્લા અધિકારી જસજિત કૌરે જણાવ્યું હતું કે આ મુદ્દે તપાસ માટે કોરોના સ્વાસ્થ્ય કેન્દ્ર પ્રભારી અને એક ACMOની ટીમ બનાવીને તપાસ રિપોર્ટ માગવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટમાં દોષિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.



Download Our B K News Today App



Related News