પ્રયાગરાજમાં અતીકના વકીલના ઘર પાસે દેશી બોમ્બથી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-19 10:49:56
  • Views : 245
  • Modified Date : 2023-04-19 10:49:56


ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના વકીલના ઘર પાસે ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. જાણકારી અનુસાર ગભરાટ ફેલાવવાના ઉદ્દેશ્યથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. કર્નલગંજ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.


પ્રયાગરાજના પોલીસ કમિશનરે કહ્યું, આ હુમલો વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામે શેરીમાં થયો હતો. આ હુમલો દયાશંકર મિશ્રા પર થયો હોવાની અફવા ફેલાઈ હતી. આ માહિતી ખોટી છે. સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે દયાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, 24-25 વર્ષના એક છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મને નિરાશ કરવાનો આ પ્રયાસ છે. હું ઘણા વર્ષોથી આ કેસ લડી રહ્યો છું.


આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (શિવકુટી) રાજેશકુમાર યાદવે જણાવ્યું હતું કે કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કટરાના ગોબર ગલીમાં પરસ્પર દુશ્મનાવટને કારણે કેટલાક યુવાનો દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી.


સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હર્ષિત સોનકરને રૌનાક, આકાશ સિંહ અને છોટે સાથે પૈસાને લઈને થોડો વિવાદ થયો હતો અને તેના કારણે સોનકરે રૌનક, આકાશ અને છોટેનો પીછો કર્યો હતો અને તેમના પર ક્રૂડ બોમ્બ ફેંક્યો હતો. યાદવે જણાવ્યું હતું કે, યોગાનુયોગે આ બોમ્બ વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામે જ પડ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.


સોનકર બોમ્બ ફેંકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. એફઆઈઆર નોંધવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. મિશ્રા ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ અને અશરફના સલાહકાર હતા. આ કેસમાં અતિક અહેમદ અને અન્ય બેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અશરફ સહિત અન્ય સાતને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.


શનિવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં કેલ્વિન હોસ્પિટલમાં આવેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ત્રણ યુવકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ સમગ્ર શહેરની સ્થિતિ સંવેદનશીલ છે.


Download Our B K News Today App



Related News