રાધનપુર બેઠક ઉપર અલ્પેશ ઠાકોર નહીં પણ ભાજપમાંથી સ્થાનિક ઉમેદવાર મુકવાની માંગ સાથે મહાસંમેલન યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 12:09:00
  • Views : 306
  • Modified Date : 2022-10-09 12:16:00

  રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આગામી ચૂંટણી માટે પહેલા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ત્યારબાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે ભાજપના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેના પછી ભાજપના અગ્રણીઓમાં કચવાટની લાગણી ફેલાઈ છે અને સ્થાનિક ઉમેદવાર મુકવાની માંગ પ્રબળ બની છે. બે પૂર્વ ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ માટે કોરડામાં મહાસંમેલન બોલાવ્યા બાદ ફરીથી પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરના ગામ રાણાવાડામાં ભાજપના તમામ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અલ્પેશ ઠાકોર માટે નવી મુસીબત ઉભી થઈ છે.રાધનપુર બેઠક ઉપર ભાજપમાંથી સ્થાનિક ઉમેદવાર મુકવા માટે પહેલા નોરતે સાંતલપુર તાલુકાના કોરડા ગામે સરપંચ લેંબાજી ઠાકોર દ્વારા તમામ સમાજોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યુ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરના ગામ રાણાવાડામાં ફરીથી ભાજપમાં સ્થાનિક ઉમેદવારની માગ સાથે તમામ સમાજના ભાજપના અગ્રણીઓનું મહાસંમેલન તા.૧૧ ઓક્ટોબરે રાખવામાં આવ્યું છે.જેમાં બે પૂર્વ ધારાસભ્યો નાગરજી ઠાકોર અને લવિંગજી સોલંકી, કોરડા ગામના સરપંચ લેંબાજી ઠાકોર સહિત સ્થાનિક ઉમેદવારની માગ કરવાવાળા ભાજપના તમામ સમાજના અગ્રણી ઉપસ્થિત રહેશે. આ મહાસંમેલનનું સૂત્ર છે. "જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક".આ મહાસંમેલનનો મુખ્ય આશય ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ ફાળવવાનો છે. શું સ્થાનિક લોકોમાં ધારાસભ્ય બની શકે એવા કોઈ લાયક વ્યક્તિ નથી ? સ્થાનિક હશે તો અડધી રાત્રે હાથ પકડીને કામ કરાવી શકશો. બહારના વ્યક્તિ કોઈનો ફોન ઉપાડતા નથી કે વાત કરતાં નથી કે કોઈ કામ કરતાં નથી અને બહારના વ્યક્તિને અહીં કોઈ સગા-વ્હાલાં નથી અને લોકોના દુઃખમાં સહભાગી થતાં નથી. એટલા મુદ્દા ઉપર સ્થાનિક ઉમેદવારની માગ કરવામાં આવી રહી છે.રાધનપુર વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને અલ્પેશ ઠાકોરે ભાજપના લવિંગજી ઠાકોરને હરાવ્યા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી જીત્યા બાદ મંત્રી બનવાની લાલચમાં ભાજપમાં ભળી ગયા હતા અને ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે હારી ગયા હતા. રઘુ દેસાઈને ૭૭ હજાર ૪૧૦ અને અલ્પેશ ઠાકોરને ૭૩ હજાર ૬૦૩ મત મળતાં અલ્પેશ ઠાકોરનો ૩ હજાર ૮૦૭ મતે પરાજય થયો હતો.

 

Download Our B K News Today App



Related News