'નંબર વિનાની ગાડી હાંકે છે, આ કંઇ થોડું પાકિસ્તાન છે'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 16:43:06
  • Views : 114
  • Modified Date : 2023-07-04 16:43:06

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓએ ખનીજ ચોરી અંગે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેઓએ મોરબીમાં નંબર પ્લેટ વગર ચાલતી ટ્રકોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ટકોર કરી છે.  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉભા છે અને એક નંબર પ્લેટ વગરનો ટ્રક અને તેનો ડ્રાઇવર તથા રાહદારીઓ રોડની સાઈડમાં ઉભા છે. વીડિયોમાં તેઓ કોઈની સાથે ફોન પર વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. તેઓ ફોન પર કહી રહ્યા છે કે તમે નંબર પ્લેટ વગરની ગાડીને ચલાવવાની સૂચના જ શા માટે આપો છો. આ બધું અટકાવો. આજ લોકો ગામમાં એવી રજૂઆત કરે છે કે અમારો બે નંબરનો ધંધો હોય તો નંબર પ્લેટ શાની લગાડવાની હોય? આ અયોગ્ય છે. આ બાબતે પગલાં લો, કાલે તો દારૂ અને પાવડરની હેરાફેરી કરવા વાળા પણ નંબર પ્લેટ નહીં લગાડે તો શું કરી લેશો? આ કંઈ થોડું પાકિસ્તાન છે. કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે, તમે આ બધાને બોલાવીને કડક સૂચના આપો. નહીં તો મારે નંબર પ્લેટ વગરના વાહનોના ફોટા પાડવા નીકળવું પડશે. આ સાથે જ કાંતિ અમૃતિયા જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરીને રોકવા તંત્રને ટકોર કરતા વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે.  

Download Our B K News Today App



Related News