રાજકોટના શાપરમાં 5 કૂતરાએ 7 વર્ષના બાળકને ફાડી ખાતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:25:02
  • Views : 49
  • Modified Date : 2025-06-01 10:25:02


શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બિહારના શ્રમિક પરિવારનો માળો પીંખાયો

રાજકોટ 

રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું સાત વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી ફાડી ખાધું હતું. આ હુમલામાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ વતન જવા નીકળેલા પિતા અમદાવાદથી પરત ફર્યા હતા. શનિવારે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ બિહારના પટનાના વતની અને છેલ્લા પાંચ વર્ષથી શાપર ગેટ પાસે રહેતા અજીતકુમાર યાદવનો સાત વર્ષીય પુત્ર આયુષ ગઈકાલે સાંજે ઘર પાસે રમી રહ્યો હતો. તે સમયે પાંચથી વધુ શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો અને આખા શરીરે બચકાં ભરી લીધા. કૂતરાંએ માથાના વાળથી લઈને પગના નખ સુધીના શરીરને ફાડી ખાતા બાળક લોહીલુહાણ થઈ ગયું. બાળકની ચીસો સાંભળીને દોડી આવેલા પરિવારજનોએ આયુષને કૂતરાંની ચુંગાલમાંથી છોડાવી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે બાળકની સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. માસૂમ બાળકના મોતથી શ્રમિક પરિવારમાં શોક અને ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આયુષ અજીતકુમાર યાદવનો નાનો દીકરો હતો. આ ઘટનાની જાણ થતાં જ વતન જવા નીકળેલા તેના પિતા અમદાવાદથી પરત ફર્યા હતા. મૃતક બાળકની માતા રૂહી કુમારીએ જણાવ્યું હતું કે, અમે અહીં મજૂરી કરવા આવ્યા છીએ. મારું બાળક રમતું હતું અને અચાનક ક્યાંકથી આટલા બધા કૂતરા આવી ગયા અને મારા બાળકને પકડી લીધું. અમે બચાવવા દોડ્યા, પણ ત્યાં સુધીમાં તેને ગંભીર ઇજાઓ થઈ ગઈ હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા, પણ તે બચી શક્યો નહીં. ત્યાં ઘણા બધા લોકો હાજર હતા પણ કોઈએ મદદ ન કરી. એટલું જ નહીં, 108ની ટીમ સમયસર ન આવતા બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.”

Download Our B K News Today App



Related News