ચીનમાં કોરોનાથી છેલ્લા એક મહિનામાં 60 હજાર લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 15:20:18
  • Views : 498
  • Modified Date : 2023-01-16 15:20:18

ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં પણ નવી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ચીને ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા પછી પ્રથમ વખત કોરોનાથી મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધીમાં 60 હજાર લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 65 વર્ષથી વધુ ઉંમરના હતા.

ચીનની પેકિંગ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર, 11 જાન્યુઆરી સુધી દેશની 64 ટકા વસતિ એટલે કે 90 કરોડ લોકો સંક્રમિત થયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાંસુ પ્રાંતની વસતિના 91 ટકા, હેનાન પ્રાંતની 89 ટકા વસ્તી, યુનાનની 84 ટકા વસતિ અને કિંઘાઈ પ્રાંતની 80 ટકા વસતિ કોરોના સંક્રમિત છે.

ઘણી નકારાત્મક ટીપ્પણીને અંતે ગઈકાલે ચીને ડબલ્યુએચઓ સાથે કોરોનાના આંકડા શેર કર્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક દ્વારા ચીનના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. ડબલ્યુએચઓના ડિરેક્ટરે નેશનલ હેલ્થ કમિશનના ડિરેક્ટર સાથે વાત કરી અને કોરોના સંક્રમણને રોકવા માટે સહયોગ માંગ્યો હતો.

8 જાન્યુઆરીએ ચીને ત્રણ વર્ષથી બંધ તમામ સરહદો ખોલી હતી. ત્યારથી 4 લાખથી વધુ લોકો ચીન આવ્યા, તેમજ અન્ય દેશોમાં ગયા હતા. લોકો માટે ક્વોરેન્ટાઇન જેવો મોટો પ્રોટોકોલ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું- 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરીની વચ્ચે 4 લાખ 90 હજાર એન્ટ્રી અને એક્ઝિટ ટ્રિપ્સ થઈ. તેમાંથી 2 લાખ 50 હજાર લોકો ચીન આવ્યા અને 2 લાખ 40 હજાર લોકો ચીનથી અન્ય દેશોમાં ગયા.​​​​​​​

ઝીરો કોવિડ પોલિસી દૂર કરવામાં આવી તે પહેલાંના સમયગાળા કરતાં આ 48.9 ટકા વધુ છે. ચીનમાં લૂનર ન્યૂ યર 21 જાન્યુઆરીથી શરૂ થશે. એવામાં આગામી 40 દિવસમાં દેશમાં 200 કરોડ લોકોની અવરજવર થવાની સંભાવના છે.

ચીનના હેલ્થ એક્સપર્ટ ઝેંગ ગુઆંગે દાવો કર્યો છે કે કોરોના 2 થી 3 મહિના સુધી પીક પર રહેશે. ગુઆંગના જણાવ્યા અનુસાર, કોરોના હવે ત્યાંના ગામડાઓમાં હાહાકાર મચાવશે. ગામમાં કોરોના ફેલાવાનું કારણ ચીનમાં 21 જાન્યુઆરીથી શરૂ થતી લૂનર ન્યૂ યરની રજાઓને જવાબદાર માનવામાં આવે છે.​​​​​​​

ગુઆંગના મતે ચીનમાં કોરોના સામેની લડાઈ અત્યાર સુધી શહેરો પર કેન્દ્રિત છે. હવે ગામડાઓ તરફ પણ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. લૂનર ન્યૂ યરની રજાઓ દરમિયાન લોકો તેમના ગામોમાં જાય છે અને સમય પસાર કરે છે. એક્સપર્ટ મુજબ, શહેરના લોકો ગામમાં જતાં કોરોના ત્યાં ફેલાઈ શકે છે. તેમજ ગામમાં આરોગ્ય સેવાઓના અભાવને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.

ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગના જણાવ્યા અનુસાર, ગામમાં સંક્રમણ ફેલાવા લાગ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે- શહેરોમાં સ્મશાનગૃહોની બહાર વાહનોની લાઈનો છે. પરંતુ ગામમાં એવું નથી, અહીં લોકો શબપેટીઓમાં મૃતદેહો લઈને સ્મશાનની બહાર કતારમાં ઉભા છે.​​​​​​

જાપાનના રિપોર્ટ અનુસાર 13 જાન્યુઆરીના રોજ 1 લાખ 44 હજાર 77 કેસ નોંધાયા હતા. રાજધાની ટોક્યોમાં 11,241 કેસ હતા. કુલ મૃત્યુઆંક 480 પહોંચ્યો છે. 695 નવા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે 15 જાન્યુઆરી પછી જાપાનમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઈ શકે છે.​​​​​​

Download Our B K News Today App



Related News