6 વર્ષના બાળકની બંને કિડની ફેલ હતી, અમદાવાદ સિવિલમાં તબીબોએ 8 મહિના સુધી ડાયાલિસિસ કર્યા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 17:17:59
  • Views : 333
  • Modified Date : 2020-11-13 17:17:59

                14 નવેમ્બરે વિશ્વમાં ‘ચિલ્ડ્રન ડૅ’ તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે એક એવા બાળકનું સાહસ અને દૃઢ સંકલ્પ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિઝીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં 6 વર્ષના બાળકે બંને કિડની ફેલ હોવા છતાં વિકટ ડાયાલિસિસની સારવાર તથા ઓપરેશન બાદ નવજીવન પ્રાપ્ત કર્યું છે. નાની વયનાં બાળકોમાં ડાયાલિસિસ અતિ મુશ્કેલ ગણાય છે, તેમ છતાં તબીબોએ આ પડકાર ઝીલીને આ બાળકમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવજીવન આપ્યું હતું.સુરતના 6 વર્ષના બાળક ધનેશની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેણે આઠ મહિના સુધી અતિ વિકટ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો સામનો કરી મોતને હંફાવીને નવજીવન પ્રાપ્ત કર્યું છે. એક ગરીબ પરિવાર માટે પોતાના બાળકની આવી જટિલ સારવાર કરાવવી ખૂબ જ કપરું હોય છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારની બાળ આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે આ ગરીબ પરિવાર પોતાના બાળકનો સારો ઇલાજ કરાવી શક્યો છે. ધનેશને પોસ્ટિરિયર યુરેથ્રલ વાલ્વની જન્મજાત બીમારી હોવાને કારણે તેની કિડની ફેલ થઇ ગઇ હતી, જેને નિરાકરણ માટે ઓપરેશન તો હાથ ધરવામાં આવ્યું, પરંતુ ક્રોનિક ફેલ્યોર થઇ જતાં તેને નિયમિત ડાયાલિસિસ પર રહેવાની ફરજ પડી. આખરે અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ધનેશની સારવાર શરૂ કરવામાં આવી.તબીબોની ટીમે પિડિયાટ્રિક નેફ્રોલોજીનાં સ્થાપિત ધોરણો મુજબ પૅરિટોનિયલ (પેટના ભાગમાં) ડાયાલિસિસ કરવાનું નક્કી કર્યું. આ ડાયાલિસિસ કર્યા બાદ બાળકને નિયમિત સમયસર પોષણયુક્ત આહાર મળી રહેવો ખૂબ જ આવશ્યક હતો. જો એ ન મળે તો બાળકને ચેપ લાગવાની પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. ઘનેશના કિસ્સામાં આવું જ બન્યું. ગરીબ પરિવાર માટે દરરોજ કમાઇ ને દરરોજ ગુજરાન ચલાવવાની પરિસ્થિતિ હોય છે ત્યારે પોષણયુક્ત આહાર મેળવવો મુશ્કેલ હોય છે. તે કારણોસર જ ધનેશને કમનસીબે ચેપ લાગ્યો અને તેની જટિલતાને અટકાવવા કેથેટરને નીકાળવું પડ્યું, પરંતુ કેથેટર નીકળ્યા બાદ પણ તબીબોની ટીમે પુખ્ત વયના લોકો માટે રચાયેલી પ્રક્રિયા હેમોડાયાલિસિસનો વિકલ્પ બાકી રાખ્યો હતો. ત્યાર બાદ માનવસર્જિત કેથેટર દ્વારા ડાયાલિસિસ શરૂ કર્યું, પરંતુ 7 વર્ષીય બાળકમાં ડાયાલિસિસ કરવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું.ડાયાલિસિસ મશીનમાં લોહીનું દબાણ જેટલું જ શરીરમાંથી લોહીનું દબાણ સર્જાવાની જરૂરિયાત અતિઆવશ્યક હોય છે. ધનેશના કિસ્સામાં એ નબળું પાસું હતું, જેને કારણે ધનેશને ફક્ત 3 મહિના જ સામાન્ય ડાયાલિસિસ થઈ શક્યું. એને કારણે કિડની હોસ્પિટલના તબીબો દ્વારા ફિસ્યુલા કરવામાં આવ્યું. ફિસ્યુલા એક પ્રકારની સર્જરી જ છે, જેમાં બાળકના શરીરમાં એક યંત્ર કામચલાઉ ધોરણે ફિટ કરવામાં આવે છે, જેના થકી શરીરમાં ડાયાલિસિસ મશીનની જરૂરિયાત પ્રમાણે માફક આવે તેવી રીતે લોહીનું પ્રેશર બને છે. આ યંત્ર થકી ધનેશને 8 મહિના સુધી ડાયાલિસિસ કરાવવામાં આવ્યું.ફિસ્યુલા ધનેશના શરીરમાં ફિટ કરવામાં આવ્યું ત્યારે તેના રણકારથી ધનેશ કહેતો કે “આ તો મારો પર્સનલ મોબાઇલ છે, જે અંદર વાગે છે”. ફિસ્યુલા થકી ધનેશનું 8 મહિના સુધી ડાયાલિસીસ થતું રહ્યું,એ દરમિયાન કિડની હોસ્પિટલ દ્વારા કાર્યરત કેડેવર પ્રોગ્રામમાં ધનેશને મેચ થાય તેવી કિડની દાતા મળી રહે તેવા લગાતાર પ્રયત્નો કરાતા રહ્યા. અંતે, આ પ્રયત્નો ફળ્યા. 8 મહિનાના ડાયાલિસિસ બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં ધનેશનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.હવે આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું છે કે નહીં, એની આડઅસર તો નથી થઇ એ જોવાનું રહ્યું હતું, જે કારણોસર ધનેશને સમયાંતરે દેખરેખમાં રાખવામાં આવ્યો, તેનું ફોલોઅપ લેવામાં આવતું હતું. આજે એક વર્ષ બાદ ધનેશ સંપૂર્ણ સ્વસ્થ છે. આ અંગે IKDRCના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મહત્ત્વપૂર્ણ અંગોની બીમારીઓવાળા દરેક બાળકને તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના આઈકેડીઆરસી ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

Download Our B K News Today App



Related News