પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત સર્જી વેપારી સાથે લૂંટ ચલાવનાર 6 ઈસમો ઝડપાયા, પેઢીમાં નોકરી કરનાર કર્મચારીએ જ પ્લાન ઘડ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-20 19:16:14
  • Views : 631
  • Modified Date : 2022-10-20 19:16:14

 

બનાસકાંઠામાં પાલનપુર-ડીસા નેશનલ હાઈવે પર બે દિવસ અગાઉ સ્કોર્પિયો ગાડીને ઇકો ગાડીથી ટક્કર મારી ટોળકીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ગાડી ચાલકની આંખમાં મરચુ છાંટી 6 લાખ રૂપિયા ભરેલો થેલો ઉઠાવી ગયા હતા. આ મામલે LCB સહિત સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે.

 

6 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી

પાલનપુરમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાનના માલિક રિતિક જૈન પોતાની સ્કોર્પિયો ગાડી લઈને બે દિવસ અગાઉ પાલનપુરથી ડીસા તરફ જઈ રહ્યા હતા. તે સમયે કુશકલ ગામના પાટિયા પાસે અચાનક એક ઇકો ગાડીએ ટક્કર મારતા અકસ્માત સજાયો હતો. ઘટનાને પગલે સ્કોર્પિયો ચાલક ગાડીમાંથી બહાર આવે તે પહેલા જ ઇકો ગાડીમાંથી ઉતરેલી ટોળકીએ સ્કોર્પિયો ગાડી ના ચાલકની આંખોમાં મરચાની ભૂકી નાખી હતી અને લાકડી વડે માર માર્યો હતો. જે બાદ બાજુમાં પડેલા 6 લાખ રૂપિયા ભરેલો થેલો આંચકી લૂંટ કરી હતી.

 

પોલીસે 6 લોકોની અટકાયત કરી

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબીની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સ્કોર્પિયો ચાલકને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસની મદદથી તપાસ કરતા આખરે આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મહાવીર ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ જ આ આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે લૂંટનું આયોજન કરનાર કર્મચારી સહિત છ લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર બીજું કોઈ નહીં પરંતુ પેઢીમાં નોકરી કરનાર કર્મચારી જ હતો. જેતુભા ડાભી નામનો વ્યક્તિ રિતિક જૈનની મહાવીર ટ્રેડર્સમાં નોકરી કરે છે અને તેને જ તેના અન્ય સાગરીતો સાથે મળી લૂંટ આચરી હતી. આ મામલે પોલીસે અત્યારે છ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલી ઈકો ગાડી અને રોકડ સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News