સુરતમાં બંને સ્ટ્રેનના 6 કેસ નોંધાયા, ગાંધીનગરમાં આફ્રિકન સ્ટ્રેનનો શંકાસ્પદ કેસ; સુરતની પાંચ સ્કૂલોમાં 85 બાળકો પોઝિટિવ મળતા સ્કૂલો બંધ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 12:35:57
  • Views : 279
  • Modified Date : 2021-03-14 12:35:57

    ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને અાફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને અાફ્રિકા સ્ટ્રેનના 6 કેસ જ્યારે ગાંધીનગરમાં યુકે સ્ટ્રેનનો એક શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે. સુરતમાં 5 શાળાના 85 બાળકો પોઝિટિવ આવતાં શાળા બંધ કરાઈ છે. દરમિયાનમાં શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 775 કેસ નોંધાયા હતા. તેમાં સુરતના 188 અને અમદાવાદના 185 કેસનો સમાવેશ થતો હતો. રાજકોટમાં રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સહિત 10 સંન્યાસી તથા 5 ભક્તોને સંક્રમણ થયું હોવાનું નોંધાયું છે.

    ગુજરાતમાં છેલ્લા 34 દિવસમાં કોરોનાના કેસમાં 234 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 232ની સપાટીએ આવી ગયા હતા પરંતુ રાજ્યના મહાનગરો અને પંચાયતોની યોજાયેલી ચૂંટણી પછી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે 775 કેસ નોંધાયા હતા. ચાલુ કેલેન્ડર વર્ષનો આ સૌથી મોટો આંકડો છે. 34 દિવસમાં 543 કેસ વધી જવા પામ્યા છે.

    અમદાવાદ શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે 1લી માર્ચે જ્યાં 96 જેટલા કોરોના કેસો સામે આવ્યા હતા. જેને બદલે શનિવારે 13 માર્ચે એક જ દિવસમાં 185 કેસ સામે આવતાં લગભગ કેસોની સંખ્યા ડબલ થઇ ગઇ છે. જોકે મોતની સંખ્યા અત્યંત ઘટી ગઈ છે. રોજનું લગભગ એક જ મોત નોંધાય છે.

    સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો દાવો છે. તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.

    એવી આશંકા રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે કે પહેલાના વાઈરસ કરતા આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે અને એટલા માટે આ વાઇરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાઇરસ મ્યુટેશન થયા પછી પણ તેનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ તેની CT વેલ્યુ ઓછી આવે છે. વાઇરસ એટલો ઘાતક નથી પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યારસુધી આ વાઇરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. જેથી કમિશનરે લોકોેને આ વાઇરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.


Download Our B K News Today App



Related News