ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગી સફળતા :રાજ્યના જુદા જુદા શહેરમાંથી ૨૬ જેટલી મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:40:04
  • Views : 397
  • Modified Date : 2021-08-13 12:40:04

     ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ શાખા ૧ દ્વારા રાજ્યના જુદા જુદા શહેરોમાં થઈ રહેલી મોટર સાઈકલની ચોરી અંગે મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગાંધીનગર એલસીબી પોલીસના હાથે મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં જુદા જુદા શહેરોમાં થયેલી ૨૬ જેટલી મોટર સાઈકલ ચોરીના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા હતા અને રાજસ્થાનના બે આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી પાંચ લાખથી વધારાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ હરી હતી.

    ગાંઘીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાંથી ૨૬ જેટલી મોટર સાઈકલ ચોરી થયા હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકોમાં નોંધાઈ હતી.  ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય વાય ચૌહાણ, પીએસઆઈ ડી એસ રાઓલ હે.કો. લતિફખાન,  જયપાલસિંહ, મુકેશસિંહ, પો.કો. રાજવીરસિંહ સુરપાલસિંહ,  ગોવિંદસિંહ, દિગ્વીજયસિંહ વગેરેની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન  લતિફખાન તથા રાજવિરસિંહને બાતમી મળી હતી કે, ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાંથી બાઈક ચોરીને રાજસ્થનમાં વેચી મારવાની પ્રવૃતિ કરતા બે ઈસમ કલોલ હાઈવેથી રાજસ્થાન જવા પસાર થવાના છે. બાતમીને આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કલોલ સિંદબાદ હોટલ સામે આવેલા ઓવરબ્રીજ મહેસાણા તરફના છેડે કલોલ તરફથી આવતા વાહનનો વોચ રાખી દીધી હતી. તે દરમિયાન ચોરીની મોટર સાઈકલ લઈને આવતા બે ઈસમો હરેશ સતરામ ભીલ ઉ.વ, ૨૦ રહે. ગારવાયા બડગાવ, જી.ઝાલોર રાજસ્થાન અને અમરત જવાનજી ભીલ રહે. ગોરવાયા બડગાવ,  જી.ઝાલોર રાજસ્થાનને પકડી લીધા હતા. અને તેઓની કડકાઈથી પુછપરછ કરતા અને હાજર બાઈકના કાગળ તપાસ માટે  માંગતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ આરોપીઓ પાસેથી ૨૬ મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.  પોલીસે આ બન્ને આરોપીને ઝડપી પાડી તેમની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ચોરીના બાઈક વેચવાનું કામ રાજસ્થાનના અન્ય એક મિત્રને આપતાં હતા

આ બન્ને આરોપીઓ રાજ્યના જુદા જુદા શહેરમાં ચોરી કરીને તેને રાજસ્થાનમાં અંતરાયય વિસ્તારમાં વેચવાની કામગીરી તેમના  જ ગામના એક મિત્ર પ્રવિણ સતનાજી ભીલ રહે મામકોલોની બડગાવ, તા. રાણીવાડા જિ, ઝાલોડને સોંપતા હતા અને આ તમામ  ચોરીના બાઈકનું વેચાવાનું કામ પ્રવિણ દ્વારા પાર પાડવામાં આવતું હતું.

 

જુદા જુદા શહેરોના ૧૫ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટર સાઈકલ ચોરીના ૧૫ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે ત્યારે ૨૬ જેટલી ચોરીની બાઈકો પણ જપ્ત કરવામાં આવી છે આ આરોપીઓ દ્વારા રાજ્યના જુદા જુદા શહેરમાં પોતાની ચોરી કરવાની પ્રવૃતિને અંજામ આપતાં હતા. રાજ્યના અમદાવાદ શહેરના ચાંદખેડા, વાસણા, બનાસકાંઠાના પાલનપુરમાંથી ૮ અને મહેસાણાના ૨ ઉંઝાના ૧ અને પાટણ જિલ્લાના સિધ્ધપુરના ૨ એમ કુલ મળી ૧૫ ગુનાનો ભેદ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે.

 

ચોરીની  મોટર સાઈકલ રાજસ્થાનમાં વેચી મારતા હતા

રાજ્યના જુદા જુદા શહેરોમાંથી છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીનું નેટર્વક ચલાવતાં આ આરોપીઓ ચોરી કરેલી બાઈકો તેઓ બાઈક ચલાવીને ચોરી છુપી રાજસ્થાન લઈ જતા અને ત્યાં સસ્તા ભાવે રાજસ્થાનના જુદા જુદા અંતરાય વિસ્તારમાં તેને વેચી મારવાની પ્રવૃતિ કરતાં હતા. એક બે બાઈક ચોરી કરી તેઓ થોડા સમય માટે ચોરીની પ્રવૃતિ બંધ કરી દેતા હતા વધારે પડતી બાઈક ચોરીની ઘટનાઓને અંજામ ભીડભાડ વાળી જગ્યા પર આપતાં હતા.

 

રાજસ્થાનથી ટ્રક ભરીને મોટર સાઈકલ પરત લાવવામાં આવી

૨૬ જેટલી મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલવાયા બાદ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના જુદા જુદા વિસ્તારમાંથી ટ્રક ભરીને ચોરીની તમામ બાઈક ગાંધીનગર ખાતે લાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતા આ બાઈક ચોરીના રેકર્ડનો પર્દાફાશ થયો હતો.

Download Our B K News Today App



Related News