સે-8માં ગુજરાતી અભિનેત્રીના ઘરે 5.47 લાખની ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:24:40
  • Views : 334
  • Modified Date : 2021-03-08 10:24:40

    શહેરના વીઆઈપી ગણાતા સેક્ટર-8માં ગુજરાતી અભિનેત્રી મૌલિકા પટેલના ઘરેથી 5.47 લાખની મતાની ઘરફોડ થઈ છે. 2 દિવસ પહેલાં જ કામે રાખેલા પતિ-પત્ની ઘરમાં હાથફેરો કરી છૂ થઈ ગયા હતા. અભિનેત્રીના વૃદ્ધ માતા-પિતા ઘરમાં જ સૂઈ રહ્યાં હતા, જેઓને ચોરીને ગંધ પણ આવી ન હતી. સમગ્ર મુદ્દે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ ઘરઘાટી દંપતીના નામ સિવાય ફરિયાદી પાસે જ માહિતી નથી.

    મળેલી માહિતી પ્રમાણે સે-8બીના પ્લોટ નં-325 ખાતે રહેતા ભરતભાઈ રમણભાઈ પટેલ(62 વર્ષ)એ સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ સે-8 ખાતે પત્ની અલકાબેન, પુત્ર-પુત્રવધુ, અને અભિનેત્રી મૌલિકા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ફરિયાદી તથા તેમના પત્નીને દવાઓ ચાલતી હોવાથી છેલ્લા 2 દિવસથી ભરત તથા લક્ષ્મીબેન નામના દંપતીને ઘરઘાટી તરીકે રાખ્યા હતા. જેઓ ઘરના પાછળના ભાગમાં રહેતા હતા, ઘરઘાટી માટે પ્રથમ માળે સંડાસ-બાથરૂમ હોવાના કારણે મકાનના પાછળના ભાગે રસોડાનો દરવાજો ખુલ્લો રાખતા હતા. દરમિયાન 6 માર્ચના રોજ તેમનો પુત્ર સે-3 ખાતે સાસરીમાં ગયો હતો અને દીકરી મુંબઈ ગઈ હતી.

    જેને પગલે રાત્રીના સમયે દંપતી એકલું ઘરે હતું, સાંજે જમ્યા બાદ 8 વાગ્યે ભરતભાઈ અને અલ્કાબેન બંને દવા લઈને સૂઈ ગયા હતા. ત્યારે વૃદ્ધ દંપતિની એકલતાનો ફાયદો ઉઠાવી ઘરઘાટી દપંતી ઘરમાંથી ચોરી કરીને છૂ થઈ ગયું હતું. રાત્રે એકાદ વાગ્યે અલકાબેન પાણી પીવા ઊઠ્યા ત્યારે દંપતી પાછળના રૂમમાં સૂતુ હતું. રાત્રે 2.30 વાગ્યે તેઓ ફરી ઉઠ્યાં ત્યારે બાજુના રૂમમાં લાઈટો ચાલુ હતી અને પાછળનો દરવાજો ખુલ્લો હતો. અને રૂમમાં ઘરઘાટી દંપતી ન હતું અને સામાન વેરવિખેર પડ્યો હતો. જેને પગલે ચોરીની ઘટના રાત્રે 1થી અઢી વચ્ચે થઈ હોવાનું અનુમાન છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ ઘરે એકલા હોવાથી અને પુત્ર આવ્યા પછી પોલીસને ઘરઘાટી રાખવા અંગે જાણ કરવાના હતા.

    પરંતુ તે પહેલાં દંપતી ચોરી કરી ભાગી ગયું હતું. અભિનેત્રી મૌલિકા પટેલ ઘણા સયમથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે. તેણે ‘કેનવાસ રંગ જીંદગીના’, ‘ત્રણ ડોબા’, ‘દાવ થઈ ગયો યાર’ અને ‘કમિટમેન્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, આ સાથે તે મોડેલિંગ ક્ષેત્રે પણ કામ કરે છે.

    શહેરોમાં વડીલોની સલામતીનો વિષય ચિંતાનો બન્યો છે. ત્યારે સે-7 પી.આઈએ કહ્યુંં કે, ‘સરકારની સિટિઝન પોર્ટલ ગુજરાત પોલીસ પર અનેકવિધ કામ માટે ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે છે. જેમાં કોઈપણ નાગરિક ઘરઘાટી, ડ્રાઈવર જાણ કરી શકે અને સિનિયર સિટિઝનનું રજિસ્ટ્રેશન પણ તેમાં થઈ શકે છે. કોઈ અરજી કરે તો અમે નોંધણી કરીને તેમને જાણ પણ કરી દઈએ છે.


Download Our B K News Today App



Related News