ધાનેરા તાલુકા પંચાયતમાં ૪૪ લાખનો બારોબાર વહીવટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 10:48:23
  • Views : 704
  • Modified Date : 2019-07-03 10:48:23

ધાનેરા તાલુકા પંચાયતમાં છેલ્લાં કેટલાંક સમયથી ગ્રાન્ટ બારોબાર કરાઇ હોવાની ચર્ચાઓ વહેતી થવા પામી હતી. તેમજ ૪૪ લાખની માતબાર ગ્રાન્ટ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્રને માત્ર ધાનેરા તાલુકાની ૧૦ જેટલી ગ્રામ પંચાયતોને આપી હોવાનું બહાર આવતાં ભારે હંગામો મચી જવા પામ્યો છે અને ભ્રષ્ટ્રાચારની રાવ ઉઠવા પામી છે.  આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવીને તમામ ગ્રાન્ટ પરત લેવાઇ હતી. પરંતુ ત્રણ મહિના ગ્રાન્ટ બારોબાર કરવાના મામલે તાલુકા વિકાસ અધિકારી સામે ઉચાપતની ફરિયાદ કરવા પણ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.
ધાનેરા તાલુકા પંચાયત અનેક વિવાદોમાં છેલ્લાં કેટલાંય મહિનાઓથી ઘેરાયેલી રહી છે. પછી તે સરપંચોનો મામલો હોય કે તલાટીઓનો કે પછી તાલુકા વિકાસ અધિકારીનો પરંતુ સતત ચર્ચાના એરણે રહી છે. ધાનેરા તાલુકામાં ૬૧ ગ્રામ પંચાયતો આવેલ છે. પરંતુ જાન્યુઆરી-૨૦૧૯ માં તાલુકા પંચાયતમાં રાતોરાત સરપંચો અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીના મેળાપીપણાથી માત્રને માત્ર ૧૦ ગ્રામ પંચાયતોના ખાતામાં ૪૪ લાખ જેટલી રકમ નાંખવામાં આવી હતી. જે બાબતે કોઇને પણ ખબર પડવા દીધી નહોતી. પરંતુ આ વાતની જાણ ધીમે ધીમે અન્ય સરપંચોને થતા આ મુદ્દો ચર્ચાના એરણે ચડયો હતો.  તાલુકા પંચાયતના બજેટની બેઠકમાં પણ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. તેમજ બી.કે.ન્યૂઝ દૈનિકમાં બે વખત આ બાબતે સમાચાર આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસ કરાવીને ૪૪ લાખની ગ્રાન્ટ પરત લાવવાનો હુકમ કરતાં માર્ચ-૨૦૧૯ ના અંતમાં આ રકમ ફરીથી તાલુકા પંચાયતના ખાતામાં જમા લેવામાં આવી હતી. પરંતુ આ ગ્રાન્ટ સરકારી તિજોરીમાંથી બારોબાર ઉચાપત કરવા બદલ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી એમ.બી.રાવ સામે ઉચાપતની ફરિયાદ દાખલ કરીને ત્રણ મહિનાનું વ્યાજ વસુલવા માટે ગાંધીનગર ખાતે કેટલાંક સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News