ગુજરાતમાં બે વર્ષમાં ઉત્સવો - પર્યટન સ્થળે 35.89 કરોડ પ્રવાસી ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-01-25 15:19:20
  • Views : 42
  • Modified Date : 2025-01-25 15:19:20

કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ 2023માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં 18.62 કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.

જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ 2023-24માં 7.42 લાખ અને વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 7.52 લાખ એમ કુલ મળીને 14.94 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.

આ ઉપરાંત, છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 9.29 લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં 05 લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં 04 લાખથી વધુ પ્રવાસીઓ- નાગરિકોએ મુલાકાત લીધી છે.

કચ્છ રણોત્સવ

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે.

વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 47 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતના 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો એમ કુલ 607 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો.

વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ

વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવ 10 દિવસનો ઉત્સવ છે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે 23.12 લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે 25મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતના વૈવિધ્યસભર પર્યટન સ્થળો અને તેની ધરોહરના જતન માટે નાગરિકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ છે.


Download Our B K News Today App



Related News