સાસણ ગીર પંથકની 29 હોટલ- રિસોર્ટમાં GSTની 30 ટીમોએ પાડી રેડ, નેતા-બિલ્ડરની મિલ્કતો બાકાત રખાયાની ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:48:22
  • Views : 250
  • Modified Date : 2022-06-06 11:48:22

સાસણ ગીર પંથકની 29 હોટલ- રિસોર્ટમાં GSTની 30 ટીમોએ પાડી રેડ, નેતા-બિલ્ડરની મિલ્કતો બાકાત રખાયાની ચર્ચા

રાજ્યમાં શનિવારથી જ સાસણ ગીર અને તેની આસપાસના ગામડાઓમાં આવેલી હોટલો અને રિસોર્ટમાં GSTની ટીમે દરોડા અભિયાન હાથ ધરતા હોટલ-રિસોર્ટ માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાસણ ગીર પંથકની 29 હોટલ અને રિસોર્ટમાં GSTની ટીમે સપાટો બોલાવ્યો છે.

રાજકોટ વિંગની 30 ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં જ્યારથી GST લાગુ કરાયું ત્યારથી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તપાસવામાં આવી રહ્યાં છે. ઉનાળુ વેકેશન ટાણે જ્યારે રિસોર્ટમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે એવાં સમયે જ GST વિભાગે ટેક્સ ચોરી બહાર લાવવા દરોડા પાડતા પ્રવાસીઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા છે. જો કે તમને જણાવી દઇએ કે, આ સર્ચ ઓપરેશનમાં મસમોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

નેતા અને બિલ્ડરોની હોટલમાં કોઈ કાર્યવાહી ન થઇ હોવાની ચર્ચા

સાસણમાં અસંખ્ય હોટલો આવેલી છે પરંતુ કાયદેસર માન્યતા પ્રાપ્ત 32 હોટલોમાંથી 29 હોટલોમાં GSTની ટીમો ત્રાટકી છે. પરંતુ બાકીની ત્રણ હોટલો કે જેમાં હોટલ એસોસિએશનનાં જવાબદાર પદાધિકારી અને રાજકોટનાં અગ્રણી બિલ્ડર ઉપરાંત ભાજપના જવાબદાર નેતાની હોટલોને ચેકિંગમાંથી બાકાત રખાઇ હોવાની ચર્ચા ચાલી રહી છે.

GST લાગુ કરાયો ત્યારથી લઇને અત્યાર સુધીના રેકોર્ડ ચેક કરાયા

શનિવારે રાજકોટ વિંગની 30 ટીમો સાસણ અને તેની આસપાસનાં પાંચ ગામો કે જેમાં ભાલછેલ, ભોજદે, હરીપુર, ચીત્રોડ અને હીરણવેલમાં પથરાયેલી ખ્યાતનામ હોટલો અને રિસોર્ટમાં ત્રાટકી હતી. 2017થી જ્યારથી GST લાગુ કરાયો છે ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડ GSTની ટીમ દ્વારા ચેક કરવામાં આવી રહ્યાં છે. GSTની રાજકોટ વિંગનાં અધિકારીના માગદર્શન હેઠળ અને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે, અંતે  આ સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

 

Download Our B K News Today App



Related News