મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-17 12:05:35
  • Views : 42
  • Modified Date : 2025-04-17 12:05:35

તળાજા : તળાજા તાલુકાના ફુલસર ગામના ત્રણ શખ્સને મોરના ઈંડા ગેરકાયદે રીતે કબજામાં રાખવાના કેસમાં ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના ફુલસર ગામે રહેતો ધીરૂ નાનુભાઈ વાઘેલા, વલકુ પુનાભાઈ વાઘેલા અને નીરૂ પુનાભાઈ વાઘેલા નામના શખ્સોએ મોર (માદા)ના જીવિત ઈંડા નં.૫ માળામાં હોય, તેને પોતાના ઘરે લઈ જઈ પાલતું કૂકડીના ઈંડા સાથે રાખી આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરી તેને ખાવાનો બદઈરાદે ધરાવ્યો હતો. જેથી વન વિભાગના સ્ટાફે ધસી જઈ ત્રણેય શખ્સની ધરપકડ કરી ગત તા.૧૧-૦૯-૨૦૧૪ના રોજ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ ૨ (૧૬), ૯, ૨ (૩૬), ૨ (૩૭), ૪૦ (૧), ૫૦ (૧) (ખ), (ગ) અને ૫૧ મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ તળાજાના એડીશનલ સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એફ.એમ. શેખે મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના અનુસૂચિ-૧ મુજબનું વન્ય જીવ છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧ (અ) મુજબ રાષ્ટ્રીય ધરોહરનું કાયદાકીય સંરક્ષણ કરવું એ તમામ નાગરિકની ફરજ છે. આવા સંજોગોમાં રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરવાનો ઈરાદો ધરાવનાર શખ્સોને જો છોડી મુકવામાં આવે તો દેશમાંથી રાષ્ટ્રીય પક્ષી નામશેષ થઈ જશે. જેથી સમાજમાં દાલો બેસે અને રાષ્ટ્રીય પક્ષી-વન્ય જીવોનું સંરક્ષણ થાય તે હેતુથી આ કામના આરોપીઓને મહત્તમ સજા કરવા ધારદાર દલીલો કરી હતી. જેને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર શર્માએ ત્રણેય આરોપી ધીરૂ વાઘેલા, વલકુ વાઘેલા અને નીરૂ વાઘેલાને તકસીરવાન ઠેરવી પ્રત્યેક આરોપીને ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂા.૧૦-૧૦ હજારનો દંડ, જો દંડની રકમ ન ભરે તો પ્રત્યેક આરોપીને વધુ ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

Download Our B K News Today App



Related News