3 ભાઈઓની રૂપિયા 23.65 મૂડી સામે 81.25 લાખની પઠાણી માંગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:38:26
  • Views : 70
  • Modified Date : 2025-06-01 10:38:26

- ખંભાત શહેરના ધાર્મિક જ્વેલર્સના

- સોના સામે નાણા ધીરી ઊંચા વ્યાજની માંગ 3 ભાઈઓ વિરૂદ્ધ 4  ફરિયાદો 

આણંદ : આણંદ જિલ્લાના ખંભાત ખાતે આવેલા ધાર્મિક જ્વેલર્સના ત્રણ ભાઈઓએ પાંચ ટકા ઊંચું વ્યાજ વસૂલી ચાર ગણી વધુ રકમની માંગણી કરી હતી. ખંભાતના સાળા અને સુરેન્દ્રનગરના બનેવીએ દાગીનાની અવેજમાં લીધેલા રૂા. ૨૩.૬૫ લાખની સામે ૮૧.૨૫ લાખની માંગણી કરી હતી. ખંભાત શહેર પોલીસ મથકે ધાર્મિક જ્વેલર્સના ભાઈઓ વિરૂદ્ધ ચાર ફરિયાદો નોંધાઈ છે. આગામી દિવસોમાં ઊંચું વ્યાજ વસૂલનાર આ ભાઈઓ સામે વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હરેશભાઈ કરસનભાઈ મીંડોલીયા પશુ વેપાર કરે છે અને મૂળ બગોદરાના અને હાલ ખંભાત શહેરના સકરપુર ખાતે રહેતા ઘનશ્યામભાઈ ધમાભાઈ માથાસુરિયા તેમના કૌટુંબિક સાળા થાય છે. હરેશભાઈને ધંધામાં અને દવાખાનાના ખર્ચ માટે પૈસાની જરૂર પડતા સાળા ઘનશ્યામભાઈને જાણ કરતા સોનાના દાગીનાની અવેજમાં વ્યાજે નાણાં ધીરધાર કરતા ખંભાતના ઘાસ ગવારા ખાતે આવેલા ધામક જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. દુકાનના માલિકોને વાત કરતા રાજેન્દ્રભાઈ જશવંતભાઈ સોની અને તેમના બે ભાઈ મહેન્દ્રભાઈ અને બટુકભાઈએ સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરવા સાથે પાંચ ટકા વ્યાજ થશે તેમ કહ્યું હતું. જેથી ઘનશ્યામભાઈએ અલગ અલગ તારીખોએ સોના ચાંદીના દાગીનાની અવેજમાં રૂપિયા ૧૦ લાખ વ્યાજે લીધા હતા. બાદમાં પૈસાની સગવડ થઈ જતા દાગીના છોડાવવા માટે ધાર્મિક જ્વેલર્સ ખાતે જતા ત્રણેય ભાઈઓએ ૧૦ લાખની જગ્યાએ વ્યાજ સહિત  રૂા. ૪૮.૨૫ લાખ બાકી કાઢયા હતા. આ રકમ ભર્યા બાદ જ સોના ચાંદીના દાગીના પરત આપવાનું કહ્યું હતું. સાળા ઘનશ્યામભાઈ માથાસુરિયાને દીકરીના લગ્ન પ્રસંગ માટે જરૂર હોવાથી માસિક પાંચ ટકા વ્યાજે લીધેલા રૂા. ૧૩.૬૫ લાખની અવેજમાં ધાર્મિક જ્વેલર્સના સંચાલકોએ ૩૩ લાખની માંગણી કરી હતી. આ બંને બનાવ અંગે સાળા અને બનેવીએ ખંભાત શહેર પોલીસ મથકમાં અલગ અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેન્દ્રકુમાર જશવંતલાલ સોની, મહેન્દ્રકુમાર જશવંતલાલ સોની અને બટુકભાઈ જશવંતલાલ સોની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News