સુરતમાં કોરોનાના ખતરનાક યુકે સ્ટ્રેઇન મળ્યા બાદ માત્ર 10 દિવસમાં 2596 કેસોમાં વધારો થયો, ચૂંટણીમાં નેતાઓની બેદરકારીને કારણે વાયરસ ફૂટ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 13:08:19
  • Views : 246
  • Modified Date : 2021-03-20 13:08:19

    ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચ આસપાસ મળી આવ્યાં હતાં. ત્યારબાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યાં છે. જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 થઈ ગયા છે. કોરોના સંક્રમણના ફેલાવા પાછળ ચૂંટણીમાં બેફામ થઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર, કાર્યકરો સર્જેલા ટોળા અને સાથે સાતે લગ્ન સહિતના સમારંભોમાં બેદરકાર બનીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં કેસમાં વધારો થયો છે. સુરતમાં જોવા મળતાં નવા સ્ટ્રેનના દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળતા નથી. શરીરના દુઃખાવા સાથે દર્દીઓ એડમીટ થતાં હોવાનું જણાવતા નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે કહ્યું કે, કેટલાકમાં શ્વાસની પણ સમસ્યા ઉભી થઈ રહી છે.

    સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડૉ. અમિત ગામિતે જણાવ્યું કે, કેસમાં વધારો જોતા લોકોએ સાવચેત રહેવું જોઇએ. પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતાં હતાં. જે વધીને હવે રોજ 150 દર્દીઓ સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. તેમણે કહ્યું કે, 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યાં હતાં તે વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળ્યાં છે. જેમાંથી છેલ્લી ઘડીએ આવતાં 2થી 3 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજ 100 જેટલાં દર્દી ઓપીડી માટે આવે છે. તેમાંથી 10થી 15 દર્દી શંકાસ્પદ લાગતાં એડમિટ કરવામાં આવી રહ્યાં છે. સ્મીમેરના સુત્રોએ કહ્યું કે, 23 પોઝિટિવ મળ્યાં છે. 1 વેન્ટિલેટર ઉપર છે તો 6 બાઇપેપ ઉપર અને 10 ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહ્યાં છે. જેમાંથી 2 દર્દીઓના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે.

    સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે,તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.

    ચૂંટણી વખતે નેતાઓ દ્વારા થતા પ્રચાર અને વિજયોત્સવથી કોરોના ફેલાયો હોય તેમ માનવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, લોકોની બેદરકારીના કારણે વાઈરસ ઝડપથી ફેલાયો છે. લગ્ન સહિતના સમારંભો અને માસ્ક ન પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પૂરતા પ્રમાણમાં પાલન ન થતું હોવાથી જોખમ વધી ગયું છે. ફરીથી કોરોનાને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ વધારી દેવાયું છે તથા ઝડપથી સારવાર આપીને લોકોને કોરોનામુક્ત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.


Download Our B K News Today App



Related News