રાજ્યમાં મગફળી ખરીદી રજિસ્ટ્રેશન શરૂ ૧૩.૬૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાશે ઃ ૨૦૦૦ ગોડાઉનમાં તૈયારીઓ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 11:26:23
  • Views : 263
  • Modified Date : 2020-10-02 11:26:23

રાજ્ય સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૦૦૦ થી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કર્યું હતું. કોવિડ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને વધુ ભીડ ન થાય તે માટે ટોકન સિસ્ટમ આપીને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ગતરોજ સવારે આઠ વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થયું હતું.

ત્યારે બાર વાગ્યા સુધીમાં કુલ ૨૦૩૩ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. જ્યારે કોવિડની એસઓપીને ધ્યાનમાં લઈને જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ ખેડૂતોની ભીડ ન થાય તે માટે ખેડૂતોને ટોકન આપીને રજિસ્ટ્રેશન માટે બોલાવવામાં આવી રહ્યા છે. મગફળીની ખરીદી માટે શરૂ થયેલ રજિસ્ટ્રેશન બાબતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પણ દરેક ગ્રામ્ય વિસ્તારમાં વી સી સેન્ટર મારફતે મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ ફિઝિકલ ડોક્યુમેન્ટ લઈને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ વર્ષે મગફળીની ખરીદી બાબતમાં કોઇ જ પ્રકારનું કૌભાંડ ન થાય તે માટે ત્રણ જેટલા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે અને સમગ્ર ખરીદી સીસીટીવીના આધારે જ કરવામાં આવશે. જેથી કોઈ જ પ્રકારના ખરીદી કૌભાંડ થઈ શકે નહી. ૧ ઓક્ટોબરથી વીસીઇ  દ્વારા ચાર માગણીઓને લઇને આંદોલન શરૂ કર્યું છે, ત્યારે નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે વીસીઇની ચાર માગણીઓ છે પણ ગત વર્ષના પેમેન્ટ ચૂકવાઇ ગયા છે. જ્યારે અત્યારે પણ ચૂકવણું ચાલુ છે. ૯  જિલ્લાના ૨૧૦૦ જેટલા વીસીઇને ૨૪ લાખનું પેમેન્ટ કરાયું છે. જ્યારે બાકીના લોકોને આજ સુધીમાં ચૂકવણી પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ગઈકાલથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે. સમગ્ર સિઝન દરમિયાન કુલ ૧૩.૬૦ લાખ મેટ્રિક ટનનો જથ્થો ખરીદવાને અત્યારે પ્રાથમિક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે મગફળીની ખરીદી બાદ ૨૦૦૦ જેટલા ગોડાઉનમાં મગફળી સંગ્રહ પણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News