અમીરગઢ પાસે હિટ એન્ડ રન ઃ બે બાઇક સવારના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 10:59:11
  • Views : 289
  • Modified Date : 2020-12-19 10:59:11

અમીરગઢ પાસે ઈકબાલગઢ - કપાસીયા જતા માર્ગ પર  હિટ એન્ડ રન ની ઘટનામાં બે બાઈક સવારોના મોત નિપજ્યા છે. આ બનાવને પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં જિલ્લામાં મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં આવા વારંવાર સર્જાતા અકસ્માતમાં અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા પુરપાટ ઝડપે ચલાવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર સર્જાતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે.
અમીરગઢ પાસે ઈકબાલગઢ - કપાસીયા જતા માર્ગ પર  શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બે બાઇક સવાર યુવકો અહીંના ઘાટા વિસ્તારમાંથી
પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે બંને યુવકોને અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં બંને યુવકોને બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ
આજુબાજુના લોકોએ ટેલિફોનિક જાણ કરતા અમીરગઢ પોલીસ
પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. અને બંને યુવકોની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકો ધનપુરા ગામના હોવાથી ગામમાં શોકનો માહોલ પ્રસર્યો હતો.

Download Our B K News Today App



Related News