બ્લાસ્ટના સમયે ઈઝરાયેલ એમ્બેસી સામેથી 2 કલાકમાં પસાર થયેલા 182 લોકો રડાર પર, ઈરાન કનેક્શન પર પણ ફોકસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 14:20:15
  • Views : 210
  • Modified Date : 2021-01-31 14:20:15

    દિલ્હીમાં શુક્રવારે ઈઝરાયેલના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટની તપાસમાં અત્યાર સુધીમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. હવે તપાસ એજન્સીઓ બ્લાસ્ટના સમયે 2 કલાક દરમિયાન આસપાસ રહેલા 182 લોકોની જાણકારી મેળવી રહ્યા છે. પોલીસનું ફોકસ વિસ્ફોટમાં ઈરાન સાથેના કનેક્શન પર પણ છે. પોલીસ અધિકારીઓનાં કહેવા પ્રમાણે એ વાતના પૂરતા સંકેત છે કે વિસ્ફોટ પાછળ તહેરાનનો હાથ હોઈ શકે છે.29 જાન્યુઆરીએ સાંજે 5.10 વાગ્યે એમ્બેસીની બહાર વિસ્ફોટ થયો હતો. તેનાથી ત્યાં ઊભેલા ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. બપોરે 3.10થી 5.10 વાગ્યા સુધીમાં 61 લોકો ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ (એમ્બેસીથી દક્ષિણ દિલ્હી તરફ) પરથી પસાર થયા હતા. 121 લોકો સાઉથ દિલ્હીથી એમ્બેસી તરફ આવ્યા હતા. પોલીસને શંકા છે કે આ જ 182 લોકોમાંથી કોઈ એક વ્યક્તિએ એમ્બેસેની બહાર ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર એક વૃક્ષ નીચે IED ડિવાઈસ પ્લાન્ટ કર્યુ છે.

    પોલીસના અનુસાર, આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી તેમની તસવીરો મેળવાઈ છે. તેમાં દૂતાવાસ પાસે બંગલોના ફૂટેજ પણ છે. એક અધિકારીના હિસાબે, અમે આ લોકોમાંથી અનેકની ઓળખ કરી ચૂક્યા છીએ. તમામની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે ઘટનાસ્થળ પાસેના CCTVથી બે શંકાસ્પદ લોકોની ઓળખ કરી હતી. આ લોકો એક કેબમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. પોલીસે કેબ ડ્રાઈવરની પૂછપરછ કરીને શંકાસ્પદોનો સ્કેચ તૈયાર કરાવ્યો હતો.

    NSGની ટીમ બ્લાસ્ટની રીતોની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રાજધાનીમાં રહેતા કેટલાક ઈરાનીઓની પૂછપરછ કરી છે. તેમાં કેટલાક એવા ઈરાની નાગરિકો પણ સામેલ છે કે જેમના વિઝા ખતમ થઈ ચૂક્યા છે. બીજીતરફ, બ્લાસ્ટ પછી ઈઝરાયેલે દુનિયાભરમાં પોતાના દૂતાવાસોની સુરક્ષા વધારી દીધી છે.તપાસ ટીમે ઈઝરાયેલના દૂતાવાસ પાસે શુક્રવારે સાંજે થયેલા બ્લાસ્ટના સમયે આસપાસના વિસ્તારમાં એક્ટિવ મોબાઈલ ફોનનો રેકોર્ડ કઢાવ્યો છે. આવા 45 હજાર મોબાઈલ ફોન એક્ટિવ હતા.શુક્રવાર અને શનિવારના રોજ અનેક વિસ્તારોમાં દરોડા પાડીને કેટલાક લોકોની ધરપકડ પણ કરાઈ હતી. જો કે, તેમની પાસેથી મળેલી જાણકારીની વિગતો અપાઈ નથી.

    ઈઝરાયેલના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટને લઈને દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા એક ટેલીગ્રામ એકાઉન્ટની તપાસ થઈ રહી છે. આ એકાઉન્ટથી બ્લાસ્ટની જવાબદારી લેવાનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. તેમાં જૈશ-ઉલ-હિન્દ નામના એક સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જો કે આ વાતને હજુ સમર્થન મળ્યું નથી.ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો.ઘટનાસ્થળેથી ક્રાઈમ બ્રાંચની ટીમને અડધો સળગેલો લાલ રંગનો દુપટ્ટો(સ્કાર્ફ) અને ઈઝરાયેલના રાજદૂતના નામે એક કવર મળ્યું છે.સૂત્રોના અનુસાર, આ કવરની અંદરથી એક પત્ર મળ્યો છે. તેમાં ‘આ તો ટ્રેલર છે’ લખ્યું છે. ફોરેન્સિક ટીમ હવે ફિંગર પ્રિન્ટની તપાસ કરી રહી છે.તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળેથી કોલ્ડ ડ્રિન્ક કેનના તૂટેલા ટુકડા અને બોલ બેરિંગ્સ પ્રાપ્ત કર્યા છે. આ ટુકડાઓની તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલાયા છે.શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ્ડ ડ્રિન્ક કેનમાં વિસ્ફોટકો અને બોલ બેરિંગ્સ મૂકાયા હતા.


Download Our B K News Today App



Related News