શહેરમાં બ્રિજના 13 ચાલુ કામોમાં અંદાજ કરતા 182 કરોડ વધુની લ્હાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-10 17:09:21
  • Views : 35
  • Modified Date : 2025-12-10 17:09:21

બ્રિજ પ્રોજેક્ટના 13 કામો માટે રૂ. 970 કરોડના અંદાજ સામે રૂ. 1153 કરોડના ટેન્ડર મંજૂર

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ બનાવવાના હાલમાં ચાલુ 13 જેટલા કામોમાં કોન્ટ્રાક્ટરોને અંદાજ કરતા રૂ. 182 કરોડ વધુની લ્હાણી કરવામાં આવી છે. બ્રિજના કામો માટે રૂ. 970 કરોડના અંદાજ સામે રૂ. 1153 કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજના કામ વખતે મટિરીયલના ભાવ વધારાના નામે જે વધારો આપવામાં આવશે તે અલગ રહેશે. જેને જોતા બ્રિજના કામોના અંદાજ કરતા ખરેખર જે રકમ ચુકવાય છે તે વચ્ચે જંગી તફાવત જોવા મળે છે. આ મુદ્દે વિપક્ષી નેતા શહેઝાદ પઠાણે ખર્ચ વધવા બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માગ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ સ્થળે ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજના કામોના ટેન્ડર મનફાવે તે ભાવે મંજૂર કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા શહેઝાદ પઠાણે કર્યો છે. આ તમામ 13 કામમાં અંદાજીત ખર્ચની સામે રૂ. 182 કરોડથી વધુ રકમના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જે 13 કામો ચાલુ છે તેના માટે અંદાજની રકમ રૂ. 970 કરોડથી વધુની નક્કી કરાઈ હતી. જ્યારે તેની સામે 1.08 ટકા ઓછા ભાવથી લઈને 36 ટકા સુધીના વધુ ભાવના ટેન્ડર જે રૂ. 1153 કરોડના થાય છે તે મંજુર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજની રકમ કરતા રૂ. 182. 66 કરોડ વધુ ચુકવાશે. જેનું ભારણ કોર્પોરેશનની તિજોરી પર પડશે. 

બ્રિજ પ્રોજેક્ટના કામોમાં રૂ. 1153 કરોડની રકમ તો માત્ર ટેન્ડરની અંદાજીત ખર્ચની રકમ સામે મંજુર કરાયેલા ટેન્ડરની રમક છે, જ્યારે મટિરીયલના ભાવ વધારાના નામે જે વધારો આપવામાં આવશે તે અલગ રહેશે. કોર્પોરેશન દ્વારા સિમ્સ હોસ્પિટલ રેલવે ઓવરબ્રિજના ટેન્ડરની અંદાજીત રકમ રૂ. 49 કરોડ હતી, જેની સામે રૂ. 59 કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતું અને ત્યારબાદ રૂ. 11 કરોડ જેટલો વધારો બારોબાર આપી દેવાયો હતો. આ રેલવે બ્રિજ રૂ. 70 કરોડમાં તૈયાર થયો હતો. આમ, બ્રિજના કામમાં અંદાજ કરતા બ્રિજ માટે ચુકવાતી રકમ ખુબ જ વધુ હોય છે. જેથી બ્રિજના કામમાં અંદાજીત ખર્ચની રકમ વધવા બદલ જે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવા જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News