ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 18 શ્રમિકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-01 15:15:22
  • Views : 42
  • Modified Date : 2025-04-01 15:15:22

બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.

ગોડાઉન ધરાશાયી થઈ ગયું

મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

મૃતકો મધ્ય પ્રદેશના હોવાનું અનુમાન

તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

કલેક્ટરે શું કહ્યું?

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે 'આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.' 

કોની બેદરકારીએ નિર્દોષ ગરીબોનો જીવ લીધો? 

જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે. 

Download Our B K News Today App



Related News