સરદાર બ્રિજ પર મરામતના કારણે 16 કિમી ટ્રાફિકજામ, ઝંઘારથી ભરૂચ વચ્ચે 8 હજારથી વધુ વાહનોની કતાર : હજારો લોકોનો ભૂક્યા-તરસ્યા ટળવળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 12:04:34
  • Views : 384
  • Modified Date : 2020-09-25 12:04:34

     ભરૂચમાં ખાડા ચેલેન્જ જેવી સ્થિતિ સર્જાઇ છે. નેશનલ હાઇવે સરદાર બ્રિજ પર તો એવા ખાડા પડ્યા છે કે જેણે ગુરુવારે ભરૂચ સરદાર બ્રિજથી ઝંઘાર સુધી 16 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ કરી દીધો હતો. અંદાજે 8 હજારથી વધુ વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતા. સવારે 5 વાગ્યાથી ફસાયેલા લોકો બપોરે 4 વાગે સરદાર બ્રિજ નજીક પહોંચ્યા હતા. લોકોને માત્ર 20 મિનિટનો રસ્તો પસાર કરવા માટે 11 કલાકનો સમય લાગ્યો હતો. ટ્રાફિક જામના કારણે હજારો લોકોને કલાકો સુધી ઉકળાટમાં ભૂખ્યા તરસ્યા ટળવળવાનો વારો આવ્યો હતાં.

ટ્રાફિકમાં ફસાયો એટલીવારમાં તો હું મુંબઇ પહોંચી ગયો હોત

હું પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યો છું.ભરૂચ પાસે ટ્રાફિક જામ જોઇ કોઈ એક્સિડન્ટ અથવા રોડનું કામકાજ ચાલતું હશે જેથી થોડી વારમાં બહાર નીકળી જઈશું.પરંતુ અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા બાદ બહાર નહીં નીકળી શકતા ઘણી તકલીફો પડી હતી.મને અહીં પહોંચતા 7 કલાક થાય છે આટલા સમયમાં તો હું મારા મુંબઈ પહોંચી ગયો હોત. - અશોક તિવારી, કાર ચાલક

મુસાફરો પણ બસમાં કલાકો સુધી બેસીને કંટાળી ગયા છે
અમે ડીસા ડેપોમાંથી સવારે 6 વાગે બસ લઈ સુરત જવા નીકળ્યા હતા.પરંતુ ભરૂચ જિલ્લામાં એન્ટ્રી બાદ નબીપુર નજીકથી વાહનોની લાંબી કતારો જોઈ અમે જેમ તેમ કરી અહીંયા પહોંચ્યા છે.સુરત પહોંચી જઇએ એટલા સમયમાં તો અમે અહીંયા ઝાડેશ્વર ચોકડી પર ફસાયેલા છે.મુસાફરો પણ કલાકોથી બસમાં બેસીને કંટાળી ગયા છે. - મેહુલસિંહ દરબાર, એસટી ડ્રાઇવર

સવારે 5 વાગે નબીપુર હતો 10 કલાકે ઝાડેશ્વર પહોંચ્યો
હું અમદાવાદથી ટેન્કરમાં માલ ભરીને અંકલેશ્વર જવા નીકળ્યો છું. સવારે 5 વાગ્યે હું ભરૂચના નબીપુર પાસેથી ટ્રાફિક જામમાં ફસાયેલો છું. મને નબીપુરથી ઝાડેશ્વર ચોકડી આવતા 10 કલાક થયા છે. હજુ ટોલ નાકા સુધી જતા 1 કલાક થશે.અમને ચા-નાસ્તો તો ઠીક બપોરનું જમવા પણ મળ્યું નથી.હજારો લોકોની આવી જ હાલત છે. - સુરેન્દ્રસિંહ યાદવ, ટ્રક ચાલક

અંકલેશ્વર શહેર તરફ ટ્રાફિકનું ભારણ વધ્યું
નેશનલ હાઇવે પર વાહનોની કતારને લઇ ટ્રાફિક ડાયવર્ટ થતાં અંકલેશ્વર શહેરના માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યુ હતું. મહાવીર ટર્નિંગ પર પણ ચક્કાજામ સર્જાયો હતો. જિલ્લા બહારના વાહનો ગોલ્ડનબ્રિજ તરફ વધતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રતિન ચોકડી પાસે પણ વાહનોની લાઇન હતી.

ટ્રાફિકને નબીપુર- ચાવજ રોડ પર ડાઇવર્ટ કર્યો
નેશનલ હાઇવે પરના ખાડાઓને કારણે ઝંઘાર સુધીનો લાંબો ટ્રાફિક જામ થતાં પોલીસ તેમજ અન્ય વિભાગો દ્વારા ભરૂચ-જંબુસર સહિતના વિસ્તારોમાં જવા માટેના વાહનોને પાલેજ, નબીપુર તેમજ ચાવજ ગામ પાસેથી ડાયવર્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી ટ્રાફિક ભારણ હળવું થાય અને લોકોએ અટવાઇ જવું ન પડે.

માર્ગની મરામત માટે રજૂઆત કરી જ છેે
નવા સરદાર બ્રીજ પરના ખાડા તેમજ બ્રીજથી ટોલનાકા સુધીના બિસ્માર રસ્તાને કારણે છાસવારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના પગલે અનેકવાર એનએચએઆઇ વિભાગમાં, ટોલટેક્ષના અધિકારીઓ તેમજ એલએન્ડટીના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો અમે કરી છે. જોકે હજી સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. માર્ગની મરામત સમયસર થતી ન હોવાને કારણે ટ્રાફિક સર્જાય છે. - એસ.વી. ચૂડાસમા, પીએસઆઇ જિલ્લા ટ્રાફિક

કોન્ટ્રાક્ટ આપ્યો છે 10 દિવસમાં કામ થશે
એનએચએઆઈના સૂત્રોએ કહ્યું હતું કે, બીજો સરદાર બ્રીજ જૂનો થઇ ગયો છે. તેના અંક્લેશ્વર તરફના બે સ્પાન વચ્ચેના માર્ગ પર ખાડા પડી ગયાં છે. બ્રીજથી ટોલનાકા વચ્ચેનો માર્ગ પણ ખરાબ થઇ ગયો છે. હાલમાં વરસાદી માહોલ હોવાને કારણે ડામરનું કાર્પેટિંગ કરી શકાયું નથી. બ્રીજ અને રોડના ખાડા પૂરવા માટે 2 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. આગામી 10 દિવસમાં રસ્તો બની જશે.

Download Our B K News Today App



Related News