ડીસાની એક એજન્સીમાં ૧૫ લાખથી વધુની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:45:10
  • Views : 678
  • Modified Date : 2019-08-18 11:45:10

ડીસા શહેરમાં પોલીસની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી ગઈ છે. શહેરના દક્ષિણ પોલીસ મથકથી માત્ર ૨૫ ફૂટના અંતરે આવેલી એક એજન્સીમાંથી ૧૫ લાખ કરતાં વધુની કિંમતની ચોરી થઈ છે અને પોલીસે આ ઘટનાની ફરિયાદ આઠ દિવસ બાદ લીધી છે.
ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેની હકીકત રજૂ કરતી ઘટના ડીસામાં બની છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનથી માત્ર ૨૫ ફૂટના અંતરે શિવ પ્લાજામાં આવેલી એક એજન્સીને તસ્કરો નિશાન બનાવીને પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા છે.  તસ્કરો આ એજન્સીમાંથી લગભગ પંદર લાખથી વધુની કિંમતની સિગારેટની ચોરી કરી ગયા છે. આ એજન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરો એટલા હોંશિયાર હતા કે તેમણે એજન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંદ કરી દીધા હતા.  પરંતુ તેમ છતાં જ્યારે તે એજન્સીના ગોડાઉનમાં ચોરી કરી રહ્યા હતા તે દરમ્યાન ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ તસ્કરોને જ્યારે ગોડાઉનમાં કેમેરા લાગેલા હોવાની જાણ થતાં તસ્કરોએ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાત ઓગસ્ટની રાત્રે અને આઠમી ઓગસ્ટની વહેલી સવારના સમયે બની હતી. ઘટના બન્યાને લગભગ આઠ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. પોલીસે આટલી મોટી ઘટનાની ફરિયાદ લેવામાં આટલો સમય કેમ લીધો તેવી પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે.
ડીસા શહેરમાં શહેર પોલીસ સ્ટેશનથી માત્ર ૨૫ ફૂટના અંતરે આવેલી પેઢીઓ જ જો સુરક્ષિત ન રહેતી હોય તો શહેરમાં કાયદો  વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય છે. અને શહેરમાં પોલીસને લઈ અસામાજિક તત્વો જ્યારે પોલીસ મથકની નજીકમાં જ આટલી મોટી ઘટનાઓને અંજામ આપતા હોય ત્યારે પોલીસનો ખોફ ગુન્હેગારોમાં કેટલો છે તે સમજી શકાય છે.

Download Our B K News Today App



Related News