ફિલિપિન્સથી MBBS કરીને આવેલા ડોક્ટરની વ્યથા, બોર્ડ નીતિને કારણે મારા જેવા 1300 તબીબનું એક વર્ષ બગડ્યું, અમે કોરોના વોરિયર્સ બનવા માગતા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 13:17:08
  • Views : 459
  • Modified Date : 2020-12-19 13:17:08

    ફિલિપિન્સથી MBBS કરીને આવેલા 1300 તબીબ સરકારી નીતિમાં અટવાયા છે. તેમણે MCIની પરીક્ષા આપ્યા પછી એપોસ્ટાઈલ કરેલી કોપી ન આવતાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ છે ત્યારે એક્ઝામિનેશન બોર્ડ સમક્ષ માત્ર 4 દિવસ દસ્તાવેજો જમા કરાવવામાં મોડું થતાં તેમનું એક વર્ષ બગડવાની ભીતિ છે. બોર્ડ દ્વારા તબીબોને 10 ડિસેમ્બર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવા કહ્યું હતું, પરંતુ તબીબોને 14 ડિસેમ્બરે ડોક્યુમેન્ટ મળતાં તેઓ બોર્ડના સમયથી 4 દિવસ મોડા પડ્યા હતા, જેને કારણે બોર્ડ ગુજરાત સહિત દેશના 1300 વિદ્યાર્થીનાં રિઝલ્ટ કેન્સલ કર્યાં છે. આ તબીબોનું કહેવું છે કે અમે પણ કોરોનાકાળમાં દર્દીઓની સેવા કરવા માગીએ છીએ, પરંતુ બોર્ડની આ જડ નીતિના કારણે અમારું એક વર્ષ પણ બગડ્યું અને અમને સેવાનો મોકો ના મળ્યો એનું અમને દુ:ખ છે.

    આ અંગે આ તબીબોમાંથી એક ડૉ. આશય દ્વિવેદીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, હું અને મારા ઘણા સાથી ડોક્ટર મિત્રો ફિલિપિન્સથી MBBSનો કોર્સ પૂર્ણ કરી પરત ફરતી ફ્લાઈટ્સમાં પાછા આવેલા છીએ. ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે FMGE નામની એક પરીક્ષા આપવાની હોય છે કે જે અમે 4 ડિસેમ્બર 2020ના રોજ આપી છે. અમારી પાસે અમારી ઓરિજિનલ ડીગ્રી અને માર્કશીટ હાજર છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સમાંથી એપોસ્ટાઈલ થયેલી કોપી હજી સુધી અમને મળી નથી, એનું કારણ કોરોનાના કારણે ઓછી કાર્યક્ષમતા સાથે કામ કરી રહેલી ફોરેન એજન્સી છે. બીજી તરફ, અમને નેશનલ બોર્ડ એક્ઝામિનેશન દ્વારા 1 ડિસેમ્બરના રોજ એક નોટિસ આપવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે જો 10 ડિસેમ્બર 2020 સુધીમાં એપોસ્ટાઈલ્ડ કોપી જમા નહીં કરાવો તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. અમારી પાસે 14 ડિસેમ્બરના રોજ એપોસ્ટાઈલ્ડ કોપી આવતાં અમે બોર્ડને મેલ દ્વારા સબમિટ પણ કરી હતી અને અનેકવાર રજૂઆતો પણ કરી હતી છતાં મારા સહિત દેશના 1300 તબીબનાં રિઝલ્ટ કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. આ મામલે દરમિયાનગીરી કરીને વહેલી તકે ઉકેલ આવે એ માટે રાજ્ય મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પણ રજૂઆત કરી છે.

    વિદ્યાર્થીઓએ સરકાર અને MCIને આ અંગે રજૂઆતો પણ કરી હતી, પરંતુ કોઈએ તેમની વાતને સાંભળી ન હતી. કોરોનાકાળમાં સરકારી એજન્સીની બિનજરૂરી જીદથી તબીબોની જરૂર સમયે સેવા નહીં લઈ શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ફિલિપિન્સના વિદેશ વિભાગ પર આધારિત વિદ્યાર્થીઓ પોતાના દેશમાં મૂંઝવણમાં મુકાયા છે. આ તમામ તબીબોએ એપોસ્ટાઈલ્ડ ટ્રુ કોપી દસ્તાવેજો જમા કરાવવા માટે વધુ સમયની માગ કરી હતી.નેશનલ બોર્ડ એક્ઝામિનેશન જે FMGE એક્ઝામનું આયોજન કરે છે તેના દ્વારા નોટિસ આપવામાં આવી છે કે જો 10 ડિસેમ્બર 2020 સુધીમાં એપોસ્ટાઈલ્ડ કોપી જમા નહીં કરવામાં આવે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે, આવા પ્રોવિઝનલ કેન્ડિડેટ્સ જેની યાદી બહાર પાડી છે એમાં લગભગ 1300 વિદ્યાર્થીનાં નામ છે, તેથી આવો નિર્ણય એકસાથે દેશને 1300 ડોક્ટરથી વંચિત કરી શકે છે.

    કોરોના કાળમાં જ્યારે દરેક દેશમાં લૉકડાઉન તથા ઓછા સ્ટાફ સાથે કાર્ય થઈ રહ્યું છે ત્યારે આટલી શોર્ટ નોટિસ પર એપોસ્ટાઈલ્ડ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવા શક્ય નથી, શક્ય ના હોવાનું બીજું કારણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો બંધ છે, તેથી અમારી એપોસ્ટાઈલ્ડ ટ્રુ કોપી જમા કરવાનો સમય લંબાવી આપવામાં આવે અને એ સમય મર્યાદામાં FMG ડોક્ટર પાસેથી નેશનલ બોર્ડ એક્ઝામિનેશન તે મતલબની એફિડેવિટ મેળવી શકે, જેથી અમે આ સમયમર્યાદા સુધીમાં ખૂટતા કાગળ જમા કરાવી શકીએ અન્યથા આવા કોરોનાના કપરા કાળમાં ડૉક્ટર થયેલા વિદ્યાર્થીઓ જેઓ દેશની સેવા કરવા તત્પર છે તેમનું 1 કીમતી વર્ષ વેડફાઈ જશે, જેથી સરકારે આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.


Download Our B K News Today App



Related News