શેરડી કાપણી-ભરણીના વ્યવસાય માટે લઘુત્તમ વેતન દરમાં 100 ટકાનો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-21 16:31:46
  • Views : 159
  • Modified Date : 2023-03-21 16:31:46

શ્રમિકોનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા રાજ્ય સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે તેમ જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું કે, રાજ્ય સરકારે વર્ષ 2014થી લઘુત્તમ વેતનના પ્રવર્તમાન દરની સમીક્ષા કરી છે. ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ સાથે વિચાર વિમર્શ કરીને લઘુત્તમ વેતનના દર સુધારવાનું નક્કી કર્યું છે. લઘુત્તમ વેતન ધારા હેઠળની અનૂસુચિ પૈકીના 46 વ્યવસાયો સંદર્ભે જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા–સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે વિવિધ વાંધાસૂચનો મળ્યા હતા.

મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં શ્રમિકોના લઘુત્તમ વેતન અંગે રાજય સરકારને સલાહ આપવા માટે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને સુધારો કરવામાં આવ્યો છે.  મંત્રીએ હાલની પરિસ્થિતિ જણાવતા કહ્યું કે, લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા 46 વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન રૂા.9,887.80 મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.12,324 મળશે. આમ થવાથી શ્રમિકના માસિક વેતનમાં રૂા.2,436.20નો વધારો એટલે કે 24.63 ટકાનો વધારો થશે. 

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.9,653.80/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.11,986 મળશે એટલે કે તેમાં રૂ.2,332.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. તે જ રીતે બીન કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.9,445.80 મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.11,752 મળશે એટલે કે રૂ.2,306.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.9,653.80 મળે છે તેના સ્થાને માસિક વેતન રૂ.12,012 મળશે એટલે કે તેમાં રૂ.2,358.20નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.9,445.80ના સ્થાને માસિક વેતન રૂ.11,752 મળશે એટલે કે તેમાં રૂ.2,306.20નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.9,237.80 મળે છે. તેના સ્થાને રૂ.11,466 મળશે. એટલે કે રૂ.2,228.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરાયો છે તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, લઘુત્તમ વેતન ધારા હેઠળ શેરડી કાપણી-ભરણીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકો માટે લઘુત્તમ વેતનદરમાં વધારો કરવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સૂચિત લઘુત્તમ વેતનના દરો અંગે સંબંધકર્તાઓના વાંધા સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રવર્તમાન દર રૂા.238 પ્રતિ ટન છે. આ જાહેરનામાના અનુસંધાને ખાંડ ઉદ્યોગ તેમજ સહકારી મંડળીઓ દ્વારા 5(પાંચ) વાંધાસૂચનો મળ્યા હતા તેમજ શ્રમિક મંડળો તરફથી એક વાંધાસૂચન મળ્યું હતું. આ વાંધાસુચનો ઉપર ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો મેળવવામાં આવી હતી. આ ભલામણો પર પુખ્ત વિચારણાના અંતે વેતનના દરોમાં 100 ટકાનો વધારો કરી રૂ.476 પ્રતિ ટન કરવામાં આવ્યો છે જેનાથી અંદાજે 3 લાખથી વધુ લોકોને ફાયદો થશે.

Download Our B K News Today App



Related News